'રેવંત રેડ્ડી સરકાર ટોલીવુડને નિશાન બનાવી રહી છે' : ભાજપાનો આરોપ
બેંગ્લોરઃ હૈદરાબાદમાં એક થિયેટરની બહાર નાસભાગની ઘટનામાં એક મહિલાના મોત મામલે ટોલીવુડ એક્ટર અલ્લુ અર્જુન સામે કરાયેલી કાર્યવાહી દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. હવે આ મુદ્દાએ રાજકીય રંગ લીધો છે. ભાજપના નેતા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને ગંભીર આરોપ લગાવ્યો છે કે, તેલંગાણાની રેવંત રેડ્ડી સરકાર તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ટોલીવુડને નિશાન બનાવી રહી છે. ભાજપના નેતાએ આક્ષેપ કર્યો હતો કે, હકીકતમાં મુખ્યમંત્રીએ તેલુગુ ફિલ્મ સ્ટાર્સ અને ફિલ્મ નિર્માતાઓએ પોતાના નિયંત્રણ હેઠળ લાવવા અને પૈસા પડાવવાનો પ્રયાસ કર્યાં હતા. જો કે, ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોએ આ પ્રયાસોને નિષ્ફળ બનાવાયા છે.
અમિત માલવિયાએ લખ્યું છે કે 'હૈદરાબાદમાં સુપરસ્ટાર નાગાર્જુનના કન્વેન્શન સેન્ટરને તોડી પાડવાથી વિવાદ શરૂ થયો હતો. આ પછી એક મહિલા કેબિનેટ મંત્રીએ નાગાર્જુનના પુત્રની પૂર્વ પત્ની અને સફળ અભિનેત્રી સામંથા પ્રભુ પર વ્યક્તિગત હુમલો કર્યો હતો. મોહન બાબુના પુત્રનો કથિત રીતે રાજકીય સ્કોર્સ સેટ કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલમાં જ ટોલીવુડના વધુ એક મોટા સ્ટાર અલ્લુ અર્જુનને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે.
બીજેપી નેતાએ કહ્યું કે 'એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ટોલીવુડની ઘણી મોટી હસ્તીઓ અને ફાઇનાન્સર્સ મુખ્યમંત્રીને મળવા જઈ રહ્યા છે. આ દર્શાવે છે કે ટોલીવુડ પર દબાણ લાવવાની સીએમ રેવન્ત રેડ્ડીની રણનીતિ સફળ રહી હતી. તેલંગાણાની આ સ્થિતિ એ લોકો માટે ચેતવણી છે જેઓ કોંગ્રેસને અભિવ્યક્તિની સ્વતંત્રતાના રક્ષક તરીકે જુએ છે. પક્ષની ક્રિયાઓ ગેરવસૂલીની એક પેટર્ન દર્શાવે છે જે સત્તા અને સંપત્તિની શોધમાં આજીવિકા અને પ્રતિષ્ઠાને લક્ષ્ય બનાવે છે. રેવન્ત રેડ્ડીની સરકાર સત્તામાં આવ્યાના એક વર્ષ પછી ખૂબ જ અપ્રિય બની ગઈ છે. તેલંગાણા એક નવા અધ્યાય માટે તૈયાર છે અને આમાં ભાજપ સંભવિત વિકલ્પ તરીકે દેખાય છે.