વડોદરાના છાણી વિસ્તારમાં પાણીની સમસ્યાને લીધે રહિશોએ માટલાં ફોડી વિરોધ કર્યો
- છાણીના એકતાનગર અને શરદનગર સહિત વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા,
- છેલ્લા 15 દિવસની પાણી ન આવતા મહિલાઓ મ્યુનિ.કચેરીએ ધસી ગઈ,
- મહિલાઓએ માટલાં ફોડીને ભાજપ સામે સૂત્રોચ્ચાર કર્યો
વડોદરાઃ શહેરના છાણી વિસ્તારમાં આવેલા એકતાનગર અને શરદનગર અને આજુબાજુની સોસાયટીઓમાં છેલ્લા 15 દિવસથી પાણીની સમસ્યા સર્જાતા આ વિસ્તારની મહિલાઓએ મ્યુનિ.કોર્પોરેશનની કચેરીએ જઈને રજુઆત બાદ ઉગ્ર પ્રદર્શન કર્યુ હતું. મહિલાઓએ મ્યુનિ કચેરી બહાર માટલા ફોડીને અને “પાણી નહીં તો વોટ નહીં' , 'ભાજપ તારા વળતા પાણી ' જેવા નારા લગાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા એકતાનગર અને શરદનગર જેવા વિસ્તારોમાં છેલ્લા બે વર્ષથી પાણીની સમસ્યા યથાવત્ છે. છેલ્લા 15 દિવસથી તો પીવાનું પાણી પણ ઉપલબ્ધ નથી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિક લોકોએ કોર્પોરેટર અને અધિકારીઓને અનેકવાર રજૂઆતો કરી, પરંતુ કોઈ નક્કર ઉકેલ ન મળતાં આ વિસ્તારની મહિલાઓએ મ્યુનિ. કચેરીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, કમિશનરને મળતા પહેલાં જ કચેરીના દરવાજા બંધ કરી દેવાતાં પરિસ્થિતિ વધુ ઉગ્ર બની હતી. આ માટે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દરમિયાન મહિલાઓએ મ્યુનિના તંત્ર સામે પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો. ચોમાસાની ઋતુમાં પણ પાણીની અછતની સમસ્યા યથાવત્ રહેતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. કોર્પોરેશન સામે મહિલાઓ દ્વારા ગેટ આગળ જ માટલા ફોડી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
વડોદરા મ્યુનિ.કોર્પોરેશનના છાણી વિસ્તારમાં આવેલા એકતાનગર અને શરદનગરના રહીશોમાં આક્રોશ છે. અહીંયા છેલ્લા બે વર્ષથી પીવાના પાણીની સમસ્યાઓ છે, પરંતુ છેલ્લા બે મહિનાથી તો પીવાના પાણી માટે મોટી સમસ્યા ઉભી થઈ છે. વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને, કોર્પોરેટરો, અને ધારાસભ્ય રજુઆત કરવા છતાયે પ્રશ્ન હવ થતો નથી. જેથી આ વિસ્તારની મહિલાઓએ માટલા ફોડી વિરોધ દર્શાવ્યો હતો.