કલોલના પ્રતાપપુરા ગામ પાસે ડમ્પિંગ સાઈટને લીધે રહિશો ત્રાહીમામ પોકારી ગયા
- વેસ્ટ કચરાને પ્રોસેસ કરવાને બદલે સળગાવવામાં આવે છે
- દૂષિત ધૂમાડાને લીધે ગ્રામજનોને શ્વાસ લેવામાં પણ પડતી મુશ્કેલી
- કલેકટરએ ડમ્પિંગ સાઈટ હટાવવા આદેશ આપ્યો છતાં મ્યુનિનું તંત્ર ગાઠતું નથી
ગાંધીનગરઃ કલોક નગરપાલિકાએ શહેરમાંથી એકત્ર થતા કચરા માટે પ્રતાપપુરા ગામ નજીક ડમ્પિંગ સાઈટ બનાવી છે. તેથી દૂર્ગંધ મારતા કચરાથી આજુબાજુના ગામના રહિશો ત્રાસી ગયા છે. મ્યુનિ દ્વારા વેસ્ટ કચરાને પ્રોસેસ કરવાને બદલે બાળવામાં આવી રહ્યો છે. તેથી એના દૂષિત ધૂમાડાથી ગ્રામજનોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. ગ્રામજનોએ આ અંગે કલોલ નગરપાલિકાના સત્તાધિશોને રજુઆત કરી હતી. છતાંપણ યોગ્ય કાર્વાહી ન કરાતા જિલ્લા કલેક્ટરને રજુઆત કરાતા કલેક્ટરે ડમ્પિંગ સાઈટને હટાવવાને આદેશ પણ આપ્યો છે. છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.
કલોલ તાલુકાના પ્રતાપપુરા ગામ નજીક આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઈટ સ્થાનિક રહીશો માટે મોટી સમસ્યા બની છે. નગરપાલિકા દ્વારા વેસ્ટ કચરાને પ્રોસેસ કરવાને બદલે તેમાં વારંવાર આગ લગાડવામાં આવે છે. આ આગના કારણે નીકળતા ધુમાડાથી આજુબાજુના ગામના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. દુર્ગંધની સમસ્યા પણ સર્જાય છે. રાત્રિના સમયે ધુમાડાના કારણે રસ્તા પર વાહન ચલાવવું મુશ્કેલ બને છે, જેનાથી અકસ્માતનું જોખમ વધી જાય છે.
જિલ્લા કલેક્ટરે આ ડમ્પિંગ સાઈટને હટાવવાનો આદેશ આપ્યો છે, પરંતુ નગરપાલિકાનું તંત્ર આ આદેશનું પાલન કરતું નથી. સ્થાનિક રહીશોએ પર્યાવરણ વિભાગ અને આરોગ્ય વિભાગમાં પણ રજૂઆત કરી છે. પ્રતાપુરા ગામના સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી આ સમસ્યા ચાલી રહી છે. કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા કચરામાં આગ લગાડવામાં આવે છે અને ગામના લોકો પર ખોટા આક્ષેપો કરવામાં આવે છે. આ ગંભીર સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે અંગે સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યા છે. લોકોના આરોગ્ય અને પર્યાવરણને થતા નુકસાન છતાં વહીવટી તંત્રની નિષ્ક્રિયતા ચિંતાજનક બની છે