સુરતમાં રત્નકલાકારોને શિક્ષણ સહાય યોજનામાં 26000 ફોર્મ રદ કરાતા કલેકટરને રજુઆત
- ફોર્મ રદ કરવાના મુદ્દે ફેર વિચારણા કરવા ડાયમંડ વર્કર યુનિયનની માગ,
- સુરતમાં 76,000 જેટલા ફોર્મ ભરાયા હતા, જેમાંથી 50,241 ફોર્મ મંજૂર કરાયા,
- રત્નકલાકારોના પરિવારોને આર્થિક સહાયની તાતી જરૂર છે
સુરતઃ હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી વ્યાપક મંદીનો દૌર ચાલી રહ્યો છે. અનેક રત્નકલાકારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. આથી રત્નકલાકારોના બાળકોના શિક્ષણ હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા 13,500 રૂપિયાની શિક્ષણ સહાયની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત સુરતમાં અંદાજે 76,000 જેટલા ફોર્મ ભરાયા હતા, જેમાંથી પ્રાથમિક ચકાસણી બાદ 50,241 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે અંદાજે 26,000 જેટલા ફોર્મ નજીવા કારણોસર રદ કરાતા રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. આ મામલે ફેર વિચારણા કરવા સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
સુરત ડાયમંડ વર્કર યુનિયનના કહેવા મુજબ, હીરા ઉદ્યોગમાં હાલ વ્યાપક મંદીનો દૌર ચાલી રહ્યો છે. રાજ્ય સરકારે રત્નકલાકારોના બાળકોને રૂપિયા 13.500ની શિક્ષણ સહાય આપવાની યોજના જાહેર કરી હતી. જેમાં સુરતમાંથી જ અંદાજે 76,000 જેટલા ફોર્મ ભરાયા હતા, એમાં 26000 ફોર્મ નજીવા કારણોસર રદ કરી દેવામાં આવ્યા છે. મોટા પ્રમાણમાં ફોર્મ રદ થવાનું મુખ્ય કારણ બેરોજગાર રત્નકલાકારની વ્યાખ્યા અને બેરોજગારીની તારીખ લખવાની પ્રક્રિયામાં ઊભી થયેલી અસમંજસની સ્થિતિ છે. રત્નકલાકારો સરકારના ઠરાવની વિગતોને સંપૂર્ણપણે સમજી શક્યા નહોતા, જેના પરિણામે તેમણે બેરોજગારીની તારીખ લખવામાં ભૂલ કરી છે. યુનિયને કલેક્ટરને રજૂઆત કરી છે કે રદ થયેલા આ 26,000 ફોર્મની ફેર વિચારણા કરવી જોઈએ.
સુરત ડાયમંડ વર્કર યુનિયનની મુખ્ય માગ છે કે ટેકનિકલ અથવા નાની ભૂલના કારણે ફોર્મ રદ કરવાને બદલે, અરજદાર ખરેખર રત્નકલાકાર છે કે નહીં તેની ખાતરી (ખરાઈ) કરવામાં આવે. જો ખરાઈમાં તેઓ રત્નકલાકાર સાબિત થાય તો તેમના ફોર્મ માન્ય રાખીને સહાય મંજૂર કરવામાં આવે. ડાયમંડ વર્કર યુનિયને પોતાની રજૂઆતમાં સ્વીકાર્યું છે કે ઘણા લોકો એવા પણ હોઈ શકે છે જેમને હીરા ઉદ્યોગ સાથે કોઈ લેવાદેવા ન હોય અને તેમના ફોર્મ રદ કરવા તે યોગ્ય છે, પરંતુ માત્ર 'બેરોજગારીની તારીખ' જેવી નાની ભૂલના કારણે આટલા બધા સાચા રત્નકલાકારોના ફોર્મ રદ થવા એ બાબત ખૂબ જ ગંભીર છે. એક તરફ હીરા ઉદ્યોગમાં મંદીની માર સહન કરી રહેલા રત્નકલાકારોના પરિવારોને આર્થિક સહાયની તાતી જરૂર છે, ત્યારે સરકારી તંત્રની અમલવારીમાં થયેલી ગેરસમજને કારણે તેઓ સહાયથી વંચિત રહે તે અન્યાયી છે. આથી, યુનિયને કલેક્ટરને સમગ્ર મામલે ત્વરિત નિર્ણય લેવા અને રત્નકલાકારોને ન્યાય આપવા વિનંતી કરી છે.