For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાટનગર ગાંધીનગરના 177 કિમી લંબાઈના રોડ ક્ષતિગ્રસ્ત બનતા મરામતનું કામો હાથ ધરાયા

05:06 PM Jul 15, 2025 IST | Vinayak Barot
પાટનગર ગાંધીનગરના 177 કિમી લંબાઈના રોડ ક્ષતિગ્રસ્ત બનતા મરામતનું કામો હાથ ધરાયા
Advertisement

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં પ્રથમ વરસાદથી રોડ-રસ્તાઓની હાલત બિસ્માર બની ગઈ છે. રોડ પરના ખાડાઓ પડ્યાની અને રોડ તૂટી ગયાની ફરિયાદો મળતા સર્વે કરાવવામાં આવ્યો હતો. જેમાં શહેરમાં 177 કિમી લંબાઈના રોડ ક્ષતિગ્રસ્ત હોવાનો અહેવાલ મળતા મુખ્યમંત્રીના આદેશથી રોડ મરામતના કામો ત્વરિત હાથ ધરવામાં આવ્યા છે.

Advertisement

પાટનગર ગાંધીનગરમાં રોડ તૂટી ગયાની ફરિયાદો મળતા મુખ્યમંત્રીએ આદેશ આપ્યા બાદ ઇજનેરો સહિત વિવિધ અધિકારીઓની ટીમોએ રસ્તાઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં શહેરમાં 177 કિમી લંબાઈના રોડ ક્ષતિગ્રસ્ત હોવાનો અહેવાલ મળ્યો હતો. આથી ખરાબ રસ્તાનું તાત્કાલિક રિપેરીંગ કરવા સીએમની સૂચનાના પગલે કલેક્ટરના મોનિટરીંગ હેઠળ અભિયાન સ્વરૂપે કામ હાથ ધરવામાં આવ્યું છે. ગાંધીનગર ઝોનમાં 177 કિલોમીટરનું રોડ નેટવર્ક ક્ષતિગ્રસ્ત હોવાનું જણાઇ આવ્યું હતું. જેને તાત્કાલિક રિપેર કરવામાં આવી રહ્યું છે. સરકારની તમામ એજન્સીઓ હાલ રોડ રિપેરીંગ અને ખાડા પુરવાના કામમાં લાગી ગઇ છે. યુદ્ધના ધોરણે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા સુધારણાનું કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધી તંત્ર ચોમાસા બાદ રોડનું કામ થશે એવા બહાના કાઢતું હતું પરંતુ સીએમની તાકીદના પગલે તાત્કાલિક રસ્તા પર પેચવર્કની કામગીરી હાથ ધરાઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ મ્યુનિ.અધિકારીઓની ટીમના સરવે દરમિયાન ગાંધીનગર ઝોનમાં ક્ષતિગ્રસ્ત જણાયેલા 177 કિલોમીટર લંબાઇના રસ્તા પૈકી તાત્કાલિક ધોરણે 122.8 કિલોમીટરના રસ્તા પર ડામરનો પેચવર્ક કરી દેવાયો છે. ચોક્કસ કેમિકલથી આ પેચ ઉખડે નહીં તે પ્રકારની કામગીરી કરાઈ રહી છે. આ ઉપરાંત રસ્તા પર પડેલા 1188 ખાડા પણ પૂરી દેવામાં આવ્યા છે. સમગ્ર માર્ગ અને મકાન વિભાગનું સંપૂર્ણ ધ્યાન હાલ રસ્તાની સુધારણા અને ક્ષતિગ્રસ્ત જણાયેલા બ્રિજ પરની અવરજવર બંધ કરાવવા પર છે.

Advertisement

કલેક્ટર મેહુલ દવેએ ગાંધીનગર જિલ્લાના રસ્તા અને બ્રિજની તપાસ માટે 5 ટીમો બનાવી હતી. શનિ- રવિની રજામાં પણ આ ટીમોએ કામગીરી કરી તનો રીપોર્ટ કલેક્ટરને સોંપ્યો હતો. ક્ષતિગ્રસ્ત જણાયેલા જિલ્લાના 4 બ્રિજ પર તાત્કાલિક વાહન વ્યવહાર બંધ કરવાના આદેશ કરાયા હતા જ્યારે વરસાદને કારણે બિસમાર થયેલા માર્ગોના રિપેરિંગના પણ આદેશ કરાયા છે પરિણામે માર્ગ અને મકાન વિભાગ ઉપરાંત મનપા, ગુડા, જિલ્લા પંચાયત સહિતના તંત્રના અધિકારીઓ રોડ રીપેરીંગની કામગીરીમાં લાગી ગયા છે.

ગાંધીનગરમાં હાલ યુદ્ધના ધોરણે રોડ રિપેરિંગની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન અનેક રસ્તા પર રોડની સપાટી પરથી કાંકરી ઉખડી જવાના કિસ્સા સામે આવ્યા છે. આ પ્રકારે વરસાદને કારણે રોડનું ધોવાણ થતું અટકાવવા માટે રેપીડ ફિક્સ ઇમલ્શન એટલે કે ડામર પેઇન્ટિંગ કરાઈ રહ્યું છે. આ પેઇન્ટિંગ રોડ પરની નાની કપચીની પકડ વધુ મજબૂત બનાવે છે અને નાના- નાના છીદ્રોમાંથી પાણી જતું અટકાવી રોડને ખરાબ થતો રોકે છે.

Advertisement
Tags :
Advertisement