પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને બ્રિટનના હાઉસ ઑફ લૉર્ડ્સના સભ્ય મેઘનાદ દેસાઈનું નિધન
ગુજરાતમાં જન્મેલા પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને બ્રિટનના હાઉસ ઑફ લૉર્ડ્સના સભ્ય મેઘનાદ દેસાઈનું ગઈકાલે 85 વર્ષની વયે અવસાન થયું. તેઓ લંડન સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાં પ્રતિષ્ઠિત પ્રધ્યાપક હતા, જ્યાં તેમણે વર્ષ 1965થી 2003 સુધી શિક્ષણ આપ્યું.
વર્ષ 1940માં વડોદરામાં જન્મેલા સ્વર્ગીય મેઘનાદ દેસાઈએ બૉમ્બે વિશ્વ-વિદ્યાલયમાંથી અનુસ્નાતકની પદવી મેળવી. ત્યારબાદ વર્ષ 1960માં પેન્સિલવૅનિયા વિશ્વ-વિદ્યાલયથી તેમણે Ph.D કર્યું હતું. શ્રી દેસાઈ વૈશ્વિક સ્તરના સન્માનીય ભારતીય—બ્રિટિશ અર્થશાસ્ત્રી, શિક્ષણવિદ્ અને રાજકીય વિચારક હતા. તેમની કારકિર્દી 60 વર્ષથી વધુ સમયની રહી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેઘનાદ દેસાઈના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પરના સંદેશમાં શ્રી મોદીએ લખ્યું, એક પ્રતિષ્ઠિત વિચારક, લેખક અને અર્થશાસ્ત્રી શ્રી મેઘનાદ દેસાઈના અવસાનથી તેઓ દુઃખી છે. શ્રી મેઘનાદ હંમેશા ભારત અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહ્યા. તેમણે ભારત—બ્રિટિશ સંબંધને વધુ મજબૂત બનાવવામાં ભૂમિકા નિભાવી હતી. ઉલ્લેખનીય છે કે, એક ઉત્કૃષ્ટ લેખક તરીકે તેમણે આઠ પુસ્તક લખી અને 200થી વધુ શૈક્ષણિક પત્ર પ્રકાશિત કર્યા હતા.