રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે, આજે મુખ્યમંત્રી પદના શપથ લેશે
નવી દિલ્હીઃ દિલ્હીના નવા મુખ્યમંત્રી પદ અંગેની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી રાજ્ય મુખ્યાલયમાં શાલીમાર બાગના ધારાસભ્ય રેખા ગુપ્તાના મુખ્યમંત્રી પદ માટે નામની જાહેરાત કરી છે. રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બનશે. તેઓ ટૂંક સમયમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. તેઓ 20 ફેબ્રુઆરીએ દિલ્હીના રામલીલા મેદાનમાં પદ અને ગુપ્તતાના શપથ લેશે.
- ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાએ રેખા ગુપ્તાના નામનો પ્રસ્તાવ મૂક્યો
દિલ્હી રાજ્ય ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી વિધાનસભા પક્ષની બેઠકમાં, નવી દિલ્હીના ધારાસભ્ય પ્રવેશ વર્મા અને રોહિણીના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાએ રેખા ગુપ્તાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને બધાએ મત દ્વારા સમર્થન આપ્યું હતું. અગાઉ, જ્યારે ધારાસભ્ય પક્ષની બેઠક શરૂ થઈ હતી, ત્યારે શાલીમાર બાગથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા રેખા ગુપ્તાને મુખ્યમંત્રી પદ માટે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવતા હતા. કારણ કે દેશના જે રાજ્યોમાં હાલમાં ભાજપ સરકારો સત્તામાં છે, ત્યાં કોઈ મહિલા મુખ્યમંત્રી નથી.
- રેખા ગુપ્તાનો જન્મ 1974 માં હરિયાણાના જીંદ જિલ્લા થયેલો
રેખા ગુપ્તા વૈશ્ય સમુદાયમાંથી આવે છે, જે દિલ્હીમાં નોંધપાત્ર સંખ્યામાં હાજર છે. વૈશ્ય સમુદાયને ભાજપનો મુખ્ય મતદાર માનવામાં આવે છે. રેખા ગુપ્તા દિલ્હી ભાજપના મહાસચિવ અને ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે. 50 વર્ષીય રેખા ગુપ્તા દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પણ રહી ચૂક્યા છે. રેખા ગુપ્તાના શિક્ષણ વિશે વાત કરીએ તો, તેમણે LLB નું શિક્ષણ મેળવ્યું છે. રેખા ગુપ્તાનો જન્મ 1974 માં હરિયાણાના જીંદ જિલ્લાના જુલાના સબડિવિઝનના નંદગઢ ગામમાં થયો હતો.