અંબાજીમાં ભાદરવી પૂનમના દર્શને જતા પદયાત્રીઓ માટેના સેવાકેમ્પની નોંધણી ફરજિયાત
- અંબાજી મંદિરની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી,
- અંબાજી ખાતે 1લી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે,
- ઓનલાઇન નોંધાયેલા સેવા કેમ્પોની ચકાસણી કરી પ્રાંત અધિકારી દ્વારા મંજૂરી અપાશે,
અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો 7 દિવસનો મહામેળો યોજાય છે. ભાદરવી પૂનમના દિને અંબાજી માતાજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. અને લાખોની સંખ્યામાં યાત્રાળુઓ દર્શન માટે ઉમટી પડતા હોય છે. જેમાં અમદાવાદ, વડોદરા સહિત શહેરો અને ગામેગામથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ દર્શન માટે અંબાજી પહોંચતા હોય છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓ માટે સેવાકેમ્પોનું ઠેર ઠેર આયોજન કરાતુ હોય છે. ત્યારે સેવા કેમ્પો માટે હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે.
શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. 1 સપ્ટેમ્બર થી 7 સપ્ટેમ્બર, 2025 સુધી ભાદરવી પૂનમ મહામેળો યોજાશે. આ મહામેળામાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓની સેવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના અધ્યક્ષ અને બનાસકાંઠા કલેક્ટરના નેતૃત્વ હેઠળ સેવા કેમ્પોની નોંધણી માટે અદ્યતન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. સેવા કેમ્પના આયોજકોએ પોતાના કેમ્પની નોંધણી અંબાજી મંદિરની વેબસાઇટ https://ambajitemple.in/bhadarvi-poonam પર વિનામૂલ્યે ઘરે બેઠા કરી શકશે. ઓનલાઇન નોંધાયેલ સેવા કેમ્પોની ચકાસણી કરી પ્રાંત અધિકારી દાંતા દ્વારા મંજૂરી આપવામાં આવશે. આ સુવિધા મંદિર ટ્રસ્ટની વેબસાઇટના અદ્યતન વેબ પોર્ટલ પર શરૂ કરવામાં આવી છે.
બનાસકાંઠા સહિત રાજ્યભરના સેવા કેમ્પના આયોજકોએ પોતાના કેમ્પની નોંધણી કરવા માટે અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ અખબારી યાદીમાં જાણકારી આપી છે. આ નવી વ્યવસ્થા દ્વારા સેવા કેમ્પની નોંધણી પ્રક્રિયા સરળ અને પારદર્શક બનશે.