ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ મરચાની ધૂમ આવક, યાર્ડ બહાર 8 કિમી સુધી લાઈનો લાગી
- ગોંડલ યાર્ડ લાલ મરચાથી ઊભરાયું
- યાર્ડ બહાર 2500 વાહનોનો ખડકલો
- યાર્ડમાં 80 હજારથી વધુ મરચાની ભારીઓની આવક
રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ મરચાની ધૂમ આવક થઈ રહી છે. પ્રતિદિન આશરે 80 હજારથી વધુ ભારીની બંપર આવક થતાં યાર્ડ લાલ મરચાથી ઊભરાઈ ગયુ છે. યાર્ડની બહાર હાઈવે પર 2000 થી 2500 વાહનોનો ખડકલો થઇ ગયો હતો અને હાઈવે પર બંને બાજુ આશરે 7 થી 8 કિમી લાંબી વાહનોની લાઇનો જોવા મળી હતી.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલા મરચાની ધૂમ આવક થઈ રહી છે. જૂનાગઢ ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ, અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વિવિઘ જિલ્લાઓમાંથી ખેડૂતો મરચા લઈને ગોંડલ યાર્ડમાં આવી રહ્યા છે. પુષ્કળ પ્રમાણમાં મરચાની આવક થતા યાર્ડની જગ્યા ટૂંકી પડી રહી છે. જેથી યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને તેમને અન્ય જગ્યા ભાડે રાખીને ત્યાં ઉતારવાની વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી.
ગોંડલ માર્કેટ યાર્ડના ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળીયાએ જણાવ્યુ હતુ કે એક સાથે 80 હજારથી વધુ મરચાની ભારીઓની આવક થતા હાલ પુરતી આવક બંધ કરાઇ છે. ગોંડલ યાર્ડમાં લાલ ચટ્ટાક મરચાની હરાજીમાં રૂપિયા 1000 થી 2500નો ભાવ ખેડૂતોને મળ્યો હતો. યાર્ડમાં લાલ મરચા ઉપરાંત 2 લાખ ગુણી ધાણા, ડુંગળી, લસણ, કપાસ, મગફળી સહિતની જણસીની આવકો ચાલુ છે. યાર્ડની 250 વિઘા ઉપરાંત આસપાસના ભાડે રાખેલ ગ્રાઉન્ડ 30 વીઘા જમીન હોવા છતાં અમારી પાસે જણસી ઉતારવાની સગવડ નથી. હોળીના તહેવારની ત્રણ દિવસની રજા ઉપરાંત માર્ચ એન્ડિંગની પણ 8 થી 10 દિવસની રજા આવે છે અને આ જણસી વેચાતા અંદાજે 2 મહિના જેવો સમય લાગશે.