ગુજરાત પોલીસ વિભાગમાં PSI અને અન્ય પદ માટે ભરતી પ્રક્રિયા થઈ શરૂ
અમદાવાદઃ ગુજરાત પોલીસમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની મળી કુલ 12472 જગ્યા માટે 8 જાન્યુ. ફિઝિકલ પરીક્ષાનો આરંભ થઇ રહ્યો છે. રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા 15 જિલ્લા, શહેરો અને એસઆરપી જૂથ સેન્ટર્સ ખાતે આવેલા ગ્રાઉન્ડ પર શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી માટે કન્ફર્મ થયેલા 10,73,786 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે.
ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ગયા વર્ષે ખાતરી આપવામાં આવી હતી
ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગમાં વિવિધ જગ્યામાં ભરતી માટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ગયા વર્ષે ખાતરી આપવામાં આવી હતી. તેના ભાગરૂપે 472 પુરુષ અને મહિલા બિન હથિયારી સબ ઇન્સ્પેક્ટર તેમજ 12 હજાર જેટલા બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી કોન્સ્ટેબલ, એસઆરપીએફ, જેલ સિપાઇની જગ્યા માટે પોલીસ ભરતી બોર્ડે પ્રક્રિયા શરૂ કરી હતી. આ માટે ઉમેદવારોએ કરેલી અરજીઓના આધારે તેની ચકાસણીના અંતે કન્ફર્મ થયેલા 10,73,786 ઉમેદવારોને રાજ્યના નિર્ધારિત પંદર જેટલા અલગ અલગ ગ્રાઉન્ડ ખાતે 8 મીથી ફિઝિકલ અને ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ માટે બોલાવાયા છે.
11 ગ્રાઉન્ડ ખાતે પુરુષ ઉમેદવારોને પરીક્ષા માટે પહોંચવાનું રહેશે
બોર્ડના કહેવા પ્રમાણે 11 ગ્રાઉન્ડ ખાતે પુરુષ ઉમેદવારોને પરીક્ષા માટે પહોંચવાનું રહેશે. આ ગ્રાઉન્ડ ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર માટે 8 થી 31 જાન્યુઆરી દરમિયાન પરીક્ષા આપવાની રહેશે. જ્યારે 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન માત્ર લોકરક્ષક માટે ભરતી થવા ઇચ્છુક અને કન્ફર્મ થયેલા ઉમેદવારોએ પરીક્ષા આપવા માટે જવાનું રહેશે.
ઉમેદવારોની મદદ માટે કુલ 96 પોલીસકર્મીઓ રહેશે ખડેપગે
રાજ્યના 4 ગ્રાઉન્ડ પર માત્ર મહિલા તથા માજી સૈનિકો માટે તા. 8 થી 29 જાન્યુઆરી દરમિયાન ફક્ત સબ ઇન્સ્પેક્ટર તેમજ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડર (બન્ને) માટે પરીક્ષા આપવા જવાનુ રહેશે. જ્યારે લોકરક્ષક માટે તા. 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન તેમજ માજી સૈનિકોએ તા. 28 અને 29 જાન્યુઆરી દરમિયાન પરીક્ષા આપવાની રહેશે. તેમની મદદમાં કુલ 96 ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ, હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક ગ્રાઉન્ડના સુપરવિઝન અધિકારી તરીકે ડીઆઇજી, આઇજીપી કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.