For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં અસહ્ય ગરમીને કારણે વીજ વપરાશમાં રેકર્ડબ્રેક વધારો

05:47 PM Apr 30, 2025 IST | revoi editor
ગુજરાતમાં અસહ્ય ગરમીને કારણે વીજ વપરાશમાં રેકર્ડબ્રેક વધારો
Advertisement
  • રાજ્યમાં વીજ વપરાશ મંગળવારે 26,600 મેગાવોટને વટાવી ગયો
  • ઊર્જા વિભાગ દ્વારા વીજળી પુરવઠોની કરાઈ સમીક્ષા
  • સિચાઈ માટે પણ વીજ વપરાશમાં થયો વધારો

ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અસહ્ય ગરમીથી છૂટકારો મેળવવા માટે લોકો પંખા. કૂલરો અને એસીનો સહારો લઈ રહ્યા છે. તેના લીધે વીજ વપરાશમાં અસામાન્ય વધારો થયો છે. મંગળવારે રાજ્યમાં 26,600 મેગાવોટ વીજળીની માંગ નોંધાઈ છે, જે આજદિન સુધીની સૌથી વધુ નોંધાયેલા વીજ વપરાશનો રેકોર્ડ છે.

Advertisement

રાજ્યના ઊર્જા વિભાગના સૂત્રોના કહેવા મુજબ ઉનાળાની અસહ્ય ગરમીને કારણે વીજ વપરાશમાં વધારો થઈ રહ્યો છે. ભૂતકાળમાં ક્યારેય આવી વીજ જરૂરિયાત ઊભી થઈ નથી. મંગળવારે પરશુરામ જયંતીનો દિવસ હોવા છતાં પીક અવર્સમાં 26,600 મેગાવોટની માંગ જોવા મળી હતી, રાજ્ય સરકાર દ્વારા વીજ પુરવઠાની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. જો કે વીજળીની મહત્તમ માંગને પાવર એક્સચેન્જ પરથી વીજળી ખરીદ્યા વગર પુરવઠો પુરો પડવામાં આવી રહ્યો છે. મંગળવારે એક પણ મેગાવોટ વીજળી બજારથી ખરીદવામાં આવી ન હતી. એનટીપીસી અને અન્ય કેન્દ્ર સરકારના યુનિટ્સમાંથી મળતી વીજળીમાંથી 8,000 મેગાવોટ સ્ટેટ્સ ગ્રીડમાં ઉમેરાઈ હતી. ઉપરાંત, રાજ્યના સોલાર યુનિટ્સથી 5,800 મેગાવોટ અને પવન ઊર્જા યુનિટ્સથી 3,800 મેગાવોટ વીજળી મળી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારના GSECL દ્વારા 3,600 મેગાવોટ વીજળીની પુરવઠા કરવામાં આવી રહી છે. ખાનગી ક્ષેત્રમાંથી અદાણી અને તાતા કોસ્ટલ પાવર કંપનીઓ દરેક તરફથી 1,500 મેગાવોટ અને એસ્સાર તરફથી 800 મેગાવોટ વીજળી સ્ટેટ્સ ગ્રીડમાં ઉમેરાઈ છે. આ સમયગાળામાં ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પણ વીજળીનો ભારે વપરાશ થઈ રહ્યો છે. અંદાજે 9,700 મેગાવોટ વીજળી માત્ર કૃષિ ક્ષેત્રમાં વપરાઈ રહી છે. આવી સ્થિતિમાં ઉનાળાની ગરમી વધી રહી છે અને સાથે વીજળીની જરૂરિયાત પણ વધી રહી છે.

Advertisement

વિશ્લેષકોએ જણાવ્યું છે કે 31મી માર્ચે મહત્તમ વીજ માંગ 21,400 મેગાવોટ હતી જે 10મી એપ્રિલે 25,300 મેગાવોટ સુધી પહોંચી હતી. હવે એ રેકોર્ડ તૂટી ગયો છે. આમ સરકાર માટે હવે પડકાર એ નથી કે વીજળી ક્યાંથી લાવવી, પણ આગોતરા આયોજન બનાવી જરૂરી પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે. વીજ પુરવઠાની માંગને પહોંચી વળવા આગામી દિવસોમાં સરકાર ખાનગી વીજ ઉત્પાદકો પાસેથી વધુ વીજળી ખરીદે તેવી શક્યતા છે.

Advertisement
Tags :
Advertisement