વક્ફ કાયદામાં તાજેતરના ફેરફારથી ગરીબ શોષણ બંધ થશેઃ નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણામાં અનેક પ્રોજેક્ટ્સનો શુભારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, પીડિતોથી વંચિતો સુધી, આદિવાસીઓ મહિલાઓ સુધી, ગરીબોથી હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો સુધી, તેમના દરેક પ્રયાસનો ઉદ્દેશ્ય તેમના જીવનમાં પરિવર્તન લાવવા અને તેમની આકાંક્ષાઓને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાનો છે. બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમની જન્મજયંતિ દલિતો, વંચિતો અને પછાત સમુદાયો માટે "દિવાળી" જેવી છે. બાબાસાહેબના મંત્ર અનુસાર કામ કરીને, શ્રી કૃષ્ણના જન્મસ્થળથી ભગવાન રામના જન્મસ્થળ, અયોધ્યા સુધી હવાઈ સેવા શરૂ થઈ ગઈ છે.
હરિયાણા વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે ગંભીરતાથી કામ કરી રહ્યું છે. વક્ફ કાયદામાં તાજેતરના ફેરફારોનો બચાવ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, આનાથી ગરીબ મુસ્લિમોને ફાયદો થશે અને આદિવાસી જમીનોનું રક્ષણ થશે. વક્ફ કાયદામાં ફેરફારથી મુસ્લિમોનું શોષણ બંધ થશે અને ગરીબ અને પછાત મુસ્લિમોને તેમના અધિકારો મળશે. પ્રધાનમંત્રીએ આજે હિસાર એરપોર્ટ પર અયોધ્યા માટે એક વાણિજ્યિક ફ્લાઇટને લીલી ઝંડી આપી હતી અને ટર્મિનલ-2 બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો હતો. આ નવું ટર્મિનલ 410 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે અને તેમાં આધુનિક પેસેન્જર ટર્મિનલ, સમર્પિત કાર્ગો સુવિધા અને હવાઈ ટ્રાફિક નિયંત્રણ હશે. 2014 પહેલા દેશમાં ફક્ત 74 એરપોર્ટ હતા અને હવે આ સંખ્યા વધીને 150 થી વધુ થઈ ગઈ છે. તેમણે કેન્દ્રની ઉડાન યોજનાની સફળતાનો ઉલ્લેખ કર્યો, જેના કારણે હજારો નાગરિકો પહેલીવાર હવાઈ મુસાફરી કરી શક્યા છે.
હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ જણાવ્યું હતું કે, નવી હવાઈ સેવા શરૂ થવાથી પ્રાદેશિક વેપાર અને પર્યટનને વેગ મળશે અને રોકાણની વધુ તકો મળશે. પ્રધાનમંત્રી મોદીએ 800 મેગાવોટ પાવર યુનિટ દીન બંધુ છોટુ રામ થર્મલ પાવર પ્લાન્ટ, મુકરબપુર ખાતે કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ અને ભારતમાલા પરિયોજના હેઠળ 14 કિમી રેવાડી બાયપાસ સહિત અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું.