For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં રિયલ એસ્ટેટમાં મંદીનો દૌર, અનેક રેસિડેન્શિયલ પ્રોજેક્ટ વેચાયા વિના પડ્યા છે

04:52 PM Apr 01, 2025 IST | revoi editor
અમદાવાદમાં રિયલ એસ્ટેટમાં મંદીનો દૌર  અનેક રેસિડેન્શિયલ પ્રોજેક્ટ વેચાયા વિના પડ્યા છે
Advertisement
  • નવાસવા બિલ્ડરોએ લોન લઈને પ્રોજેક્ટ્સ બનાવ્યા હવે વેચાતા નથી
  • બે-રૂમ રસોડાના ફ્લેટની કિંમત લાખો રૂપિયા હોવાથી મધ્યમ વર્ગને પરવડતી નથી,
  • એક્સપર્ટના કહેવા મુજબ 66 ટકા રહેણાકના પ્રોજેક્ટ્સ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે

અમદાવાદઃ  ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં છેલ્લા ઘણા વખતથી મંદીનો દૌર ચાલી રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં અનેક રેસિડેન્ટ પ્રોજેક્ટ્સ વેચાયા વગરના પડ્યા છે.શહેરી વિસ્તારોમાં જમીનોના ભાવ આસમાને છે. અને બિલ્ડિંગ મટિરિયલ્સ કોસ્ટમાં પણ અસામાન્ય વધારો થયો છે. તેના લીધે બે રૂમ-રસોડાના ફ્લેટની કિંમત 35થી 50 લાખ બોલાય રહી છે. ત્યારે અસહ્ય મોંઘવારીમાં સામાન્ય અને મધ્યમ વર્ગને માટે ફ્લેટ ખરીદવો મોંઘો પડી રહ્યો છે. બીજીબાજુ કેટલાક નવાસવા બિલ્ડરોએ લોન લઈને રેસિડેન્ટ પ્રોજેક્ટ બનાવી દીધા છે. ત્યારે ફ્લેટ્સ ન વેચાતા આવા બિલ્ડરો કફોડી હાલતમાં મુકાયા છે.
રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદીની વ્યાપક અસર  જોવા મળી રહી છે,  જેના કારણે અમદાવાદ સહિત મહાનગરોમાં પ્રોપર્ટીના વેચાણમાં તીવ્ર ઘટાડો થયો છે.  તેમાં પણ મંદીનો સૌથી વધુ માર અમદાવાદના રિયલ એસ્ટેટ પર પડ્યો છે. વેચાણ ઘટવાના કારણે બિલ્ડર્સ નવા રેસિડેન્શિયલ અને રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટ્સ શરૂ કરવા પ્રત્યે ઉદાસીન બન્યા છે. શહેરના  થલતેજ, સિંધુભવન અને ઈસ્કોન-આંબલી જેવા વિસ્તારોમાં પણ 66 ટકા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ વેચાયા વગરના પડ્યા હોવાનુ કહેવાય છે.

Advertisement

શહેરમાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા મુજબ શહેરના પોશ વિસ્તાર ગણાતા થલતેજ, સિંધુભવન અને ઈસ્કોન-આંબલી વિસ્તાર જ નહીં પરંતુ શહેરના ઘણા વિસ્તારોમાં અનસોલ્ડ ઈન્વેન્ટરી એટલે કે વેચાયા વગરનો પૂરવઠો વધી રહ્યો છે. ઘણા પ્રોજેક્ટ્સ પૂરા થઈ ગયા છે પરંતુ તેનું વેચાણ થઈ રહ્યું નથી. મોટાગજાના બિલ્ડરોને કોઈ મુશ્કેલી નથી પણ નાના બિલ્ડરો મુશ્કેલીમાં મુકાયા છે. હાઈ બ્રોકેરજ ઓફર કરવામાં આવી રહ્યું હોવા છતાં બિલ્ડર્સ ઘર વેચવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. કેટલાક એક્સ્પર્ટ્સનું કહેવું છે કે શહેરમાં વેચાયા વગરનો પૂરવઠો 45 ટકા જેટલો છે, એટલે કે અડધો અડધ પ્રોજેક્ટ્સ વેચાયા વગરના છે. બીજીબાજુ રિયલ એસ્ટેટમાં રોકાણ કરનારા ફાયનાન્સરો પણ નિરસ બન્યા છે. હાલની સ્થિતિમાં કોઈ જોખમ લેવા માગતા નથી.

અર્બન રિ-ડવલપમેન્ટ હાઉસિંગ સોસાયટી વેલફેર એસોસિયેશનના સૂત્રોના કહેવા મુજબ  રેસિડેન્સિયલ સેગ્મેન્ટમાં પૂરવઠો વધારે પડતો થઈ ગયો છે અને તેથી રિ-ડેવલપમેન્ટ સ્કીમ્સ સાથે સંકળાયેલા ઘણા બિલ્ડર્સ હવે વિચારી રહ્યા છે કે તેમણે વધુ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ લેવા જોઈએ કે નહીં. રિયલ એસ્ટેટ સેક્ટરમાંમંદી છે અને જંત્રીના દરના કારણે સમગ્ર પ્રોજેક્ટની કોસ્ટને અસર પડી છે. લિક્વિડિટીના મુદ્દાઓ પણ ખરીદદારોના સેન્ટિમેન્ટને અસર કરી રહ્યા છે જેના કારણે રેસિડેન્શિયલ એકમોનું વેચાણ ધીમું થઈ રહ્યું છે.

Advertisement

બિલ્ડર્સ અને ડેવલોપર્સના કહેવા મુજબ રિયલ એસ્ટેટ સેક્ટરમાં વેગ આપવા માટે સરકારની સહાયની જરૂર છે.  રિયલ એસ્ટેટ સેક્ટરમાં મંદીનો માહોલ છે. અને તેમાં પણ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ માટે સરકારના ઓછા સપોર્ટના કારણે પરિસ્થિતિ વધારે ખરાબ બની છે. જો ગુજરાત સરકાર રિડેવલપમેન્ટ સ્કીમ્સ પરના ટેક્સમાં ઘટાડો કરે અથવા તો તેને દૂર કરે, તો બિલ્ડર્સ આવા વધારે પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે તૈયાર છે, કેમ કે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ ગુંચવણ ભરેલા હોય છે અને તેમાં વધારે રિટર્ન પણ મળતું નથી.

Advertisement
Tags :
Advertisement