For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઓપરેશન સિંદૂર, આતંકવાદ અને પાકિસ્તાન મુદ્દે વડાપ્રધાને રાષ્ટ્રજોગ સંબોધનમાં શું કહ્યું વાંચો...

12:12 PM May 13, 2025 IST | revoi editor
ઓપરેશન સિંદૂર  આતંકવાદ અને પાકિસ્તાન મુદ્દે વડાપ્રધાને રાષ્ટ્રજોગ સંબોધનમાં શું કહ્યું વાંચો
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રિય દેશવાસીઓ, નમસ્કાર!... આપણે સૌએ વિતેલા દિવસોમાં દેશનું સામર્થ્ય અને તેનો સંયમ બંને જોયા છે. હું સૌને પહેલા ભારતના પરાક્રમી સેનાઓને, સશસ્ત્ર દળોને, આપણી ગુપ્તચર એજન્સીઓને, અને આપણા વૈજ્ઞાનિકોને તમામ ભારતવાસીઓ તરફથી સલામ કરું છું. આપણા વીર સૈનિકોએ ઓપરેશન સિંદૂરના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે અસીમ શૌર્ય બતાવ્યું છે. હું તેમની વીરતાને... તેમના સાહસને... તેમના પરાક્રમને... આજે સમર્પિત કરું છું. આપણા દેશની માતાઓને, દેશની દરેક બહેનને અને દેશની દરેક દીકરીને આ પરાક્રમ સમર્પિત કરું છું. સાથીઓ, 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ જે બર્બરતા બતાવી હતી, તેમનાથી દેશ અને દુનિયા હચમચી ગયા હતા. રજાઓ વિતાવવા આવેલા નિર્દોષ- માસૂમ નાગિરકોને ધર્મ પૂછીને તેમના પરિવારની સામે જ, તેમના બાળકોની સામે નિર્દયતાપૂર્વક મારી નાખ્યા. આ આંતકનો ખૂબ જ બિભત્સ ચહેરો હતો, ક્રૂરતા હતી. આ દેશના સદભાવને તોડવાનો કાયરતાપૂર્ણ પ્રયાસ પણ હતો. મારા માટે વ્યક્તિગતરૂપે આ પીડા ખૂબ જ મોટી હતી. આ આતંકી હુમલા પછી આખો દેશ, દરેક નાગરિક, દરેક સમાજ, દરેક વર્ગ, દરેક રાજકીય પક્ષ એક સૂરમાં આતંકની સામે આકરી કાર્યવાહી કરવા માટે ઉભા થયા. આપણે આતંકવાદીઓને માટીમાં મિલાવી તેવા માટે ભારતની સેનાઓને સંપૂર્ણ છૂટ આપી દીધી, અને આજે દરેક આતંકી, આંતકનું દરેક સંગઠન જાણી ગયું છે કે આપણી બહેન-દીકરીઓના માથા પરથી સિંદૂર હટાવવાનું પરિણામ શું આવે છે.

Advertisement

સાથીઓ, ઓપરેશન સિંદૂર આ માત્ર નામ નથી, આ દેશના કોટી-કોટી લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે. ઓપરેશન સિંદૂર ન્યાયની અખંડ પ્રતિજ્ઞા છે. 6 મેની મોડી રાતે, 7 મેની સવારે આખી દુનિયાએ આ પ્રતિજ્ઞાને પરિણામમાં બદલાતી જોઈ છે. ભારતની સેનાઓએ પાકિસ્તાનમાં આતંકાના ઠેકાણાઓ પર, તેમના ટ્રેનિંગ સેન્ટરો પર સચોટ પ્રહારો કર્યા. આતંકીઓએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય તે ભારત આટલો મોટો નિર્ણય લઈ શકે છે. પરંતુ જ્યારે દેશ એકજૂથ થાય છે, નેશન ફર્સ્ટની ભાવનાથી ભરાયેલો હોય છે, રાષ્ટ્ર સર્વોપરી હોય છે, તો ફોલાદી નિર્ણયો લેવામાં આવે છે. પરિણામ લાવીને બતાવવામાં આવે છે. જ્યારે પાકિસ્તાનમાં આતંકના અડ્ડાઓ પર ભારતની મિસાઈલોએ હુમલા કર્યા, ભારતના ડ્રોને હુમલા કર્યા, તો આતંકી સંગઠનોની ઈમારતો જ નહીં પરંતુ તેમની હિંમત પણ ધરાશાયી થઈ ગઈ. બહાવલપુર અને મુરીદગે જેવા આતંકી ઠેકાણાઓ એક પ્રકારે ગ્લોબલ ટેરરિઝમની યુનિવર્સિટી રહ્યા છે. દુનિયામાં ક્યાંય પણ જે મોટા આતંકી હુમલા થયા છે, નાઇન ઇલેવન હોય, લંડન ટ્યુબ બોમ્બિંગ્સ હોય, કે પછી ભારતમાં દાયદાઓમાં જે પણ મોટા આતંકી હુમલા થયા છે. તેમના તાર ક્યાંકને ક્યાંક આતંકના આ ઠેકાણાઓ સાથે જ જોડાયેલા છે. આતંકવાદીઓએ આપણી બહેનોના સિંદૂર ઉજાડ્યા હતા આથી ભારતે આતંકીઓના હેડક્વાર્ટર્સ ઉજાડી દીધા. ભારતે આ હુમલાઓમાં 100થી વધુ ખૂંખાર આતંકવાદીઓને મોતના ઘાટ ઉતારી દીધા છે. આતંકના કેટલાક આકાઓ છેલ્લા અઢી દાયકાથી ખુલ્લેઆમ પાકિસ્તાનમાં ફરી રહ્યા હતા. તેઓ ભારતની વિરુદ્ધ કાવતરાઓ ઘડતા હતા, તેમને ભારતે એક ઝાટકે જ ખતમ કરી નાખ્યા છે.

સાથીઓ,ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન ઘોર નિરાશામાં ઘેરાઈ ગયું હતું, હતાશામાં ઘેરાઈ ગયું હતું, ડરી ગયું હતું અને આ ડરમાં જ તેમણે વધુ એક દુઃસાહસ કર્યું. આતંક પર ભારતની કાર્યવાહીનો સાથ આપવાના બદલે પાકિસ્તાને ભારત પર જ હુમલો કરવાનું શરૂ કરી દીધું. પાકિસ્તાને આપણી શાળાઓ- કોલેજોને, ગુરુદ્વારાઓને, મંદિરોને, સામાન્ય નાગરિકોના ઘરોને નિશાન બનાવ્યા. પાકિસ્તાને આપણા સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા, પરંતુ તેમાં પણ પાકિસ્તાન પોતે જ ઉઘાડું પડી ગયું. દુનિયાએ જોઈ લીધું કે કેવી રીતે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલો... ભારતની સામે એક તણખલાની જેમ વેરવિખેર થઈ ગયા. ભારતની સશક્ત એર ડિફેન્સ સિસ્ટમે, તેમને આકાશમાં જ નષ્ટ કરી દીધા. કિસ્તાનની તૈયારી સીમા પર પ્રહાર કરવાની હતી પરંતુ ભારતે પાકિસ્તાનની છાતી પર જ પ્રહાર કરી દીધો. ભારતના ડ્રોન, ભારતની મિસાઈલોએ સચોટ નિશાન લગાવીને હુમલો કર્યો,પાકિસ્તાની વાયુસેનાના એ એરબેઝને નુકસાન પહોંચાડ્યું, જેના પર પાકિસ્તાનને ખૂબ અભિમાન હતું. ભારતે પહેલા ત્રણ દિવસમાં જ પાકિસ્તાનને એટલું તબાહ કરી દીધું કે જેનો તેને અંદાજ પણ નહોતો, આથી ભારતની આક્રમક કાર્યવાહી પછી પાકિસ્તાન બચવાના રસ્તાઓ શોધવા લાગ્યું. પાકિસ્તાન આખી દુનિયામાં તણાવ ઓછો કરવાની વિનંતી કરવા લાગ્યું હતું અને ખૂબ જ ખરાબ રીતે માર ખાધા પછી તેની મજબૂરીમાં 10 મેના રોજ બપોરે પાકિસ્તાનની સેનાએ આપણા DGMOનો સંપર્ક કર્યો. ત્યાં સુધીમાં આપણે આતંકવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે નેસ્ત-નાબૂદ કરી ચુક્યા હતા. આતંકીઓને મોતના ઘાટ ઉતારી દીધા હતા. પાકિસ્તાને પોતાની છાતી પર વસાવેલા આતંકના અડ્ડાઓને આપણે ખંડેર બનાવી દીધા હતા. આથી, જ્યારે પાકિસ્તાન તરફથી વિનંતી કરવામાં આવી, પાકિસ્તાન તરફથી જ્યારે કહેવામાં આવ્યું કે તેમના તરફથી આગળ કોઈ આતંકી ગતિવિધી અને સૈન્ય દુઃસાહસ કરવામા નહીં આવે, તો ભારતે તેના પર વિચાર કર્યો અને હું ફરીથી કહી રહ્યો છું, આપણે પાકિસ્તાનના આતંકી અને સૈન્ય ઠેકાણાઓ પર આપણી જવાબી કાર્યવાહીને હાલમાં માત્ર સ્થગિત કરી છે. આવનારા દિવસોમાં આપણે પાકિસ્તાનના દરેક પગલાંને આ કસોટી પર માપીશું કે તેઓ શું વલણ અપનાવે છે.

Advertisement

સાથીઓ, ભારતની ત્રણેય સેનાઓ, આપણું વાયુદળ, આપણું સૈન્ય અને આપણું નૌકાદળ, આપણા બોર્ડર સિક્યુરિટી ફોર્સ - BSF,ભારતના અર્ધલશ્કરી દળો સતત એલર્ટ પર છે. સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક પછી હવે ઓપરેશન સિંદૂર એ આતંકવાદની વિરુદ્ધમાં ભારતની નીતિ છે. ઓપરેશન સિંદૂરે આતંકવાદ સામેની લડાઈમાં એક નવી રેખા દોરી છે. એક નવું ધોરણ, એક ન્યૂ નોર્મ નક્કી કર્યું છે. પહેલું- જો ભારત પર આતંકવાદી હુમલો થશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે. આપણે આપણી રીતે, આપણી શરતો પર જવાબ આપીને જ રહીશું. એ દરેક જગ્યાએ જઈને કઠોર કાર્યવાહી કરીશું, જ્યાંથી આતંકવાદના મૂળિયા નીકળે છે. બીજું - કોઈપણ ન્યૂક્લિઅર બ્લેકમેઇલને ભારત સહન નહીં કરે. ન્યૂક્લિઅર બ્લેકમેઇલના આડમાં ફુલી-ફાલી રહેલા આતંકવાદી ઠેકાણાઓ પર ભારત સચોટ અને નિર્ણાયક હુમલો કરશે. ત્રીજું - આપણે આતંકવાદને સમર્થન આપી રહેલી સરકાર અને આતંકવાદના આકાઓને અલગ અલગ નહીં જોઈએ. ઓપરેશન સિંદૂર દરમિયાન દુનિયાએ ફરી એકવાર પાકિસ્તાનનું ઘૃણાસ્પદ સત્ય જોયું છે, જ્યારે માર્યા ગયેલા આતંકવાદીઓને વિદાય આપવા પાકિસ્તાની સેનાના મોટા મોટા અધિકારીઓ દોડી આવ્યા હતા, આ સ્ટેટ સ્પોન્સર્ડ ટેરેરિઝમનો આ ખૂબ મોટો પુરાવો છે. અમે ભારત અને આપણા નાગરિકોને કોઈપણ જોખમથી બચાવવા માટે સતત નિર્ણાયક પગલાં લેતા રહીશું.

સાથીઓ, યુદ્ધના મેદાનમાં આપણે આ વખતે પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે, અને આ વખતે ઓપરેશન સિંદૂરે એક નવું પરિમાણ ઉમેર્યું છે. અમે રણ અને પર્વતોમાં આપણું સામર્થ્ય શાનદાર રીતે બતાવી દીધું છે અને સાથે જ ન્યૂ એજ વૉરફોરમાં પણ આપણી શ્રેષ્ઠતા સિદ્ધ કરી દીધી છે. આ ઓપરેશન દરમિયાન આપણા મેડ ઇન ઇન્ડિયા હથિયારોની પ્રમાણિકતા સાબિત થઈ છે. આજે દુનિયા જોઈ રહી છે 21મી સદીના વૉરફેરમાં મેડ ઇન્ડિયા ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સનો સમય આવી ગયો છે.

સાથીઓ, દરેક પ્રકારના આતંકવાદ સામે આપણે એકજૂથ રહીએ છીએ, આપણી એકતા એ આપણી સૌથી મોટી તાકાત છે. ચોક્કસપણે આ યુગ યુદ્ધનો નથી, પરંતુ આ યુગ આતંકવાદનો પણ નથી. ટેરેરિઝમ સામે ઝીરો ટોલરન્સ આ એક વધુ સારી દુનિયાની ગેરંટી છે. સાથીઓ, પાકિસ્તાની સૈન્ય, પાકિસ્તાન સરકાર દ્વારા જે રીતે આતંકવાદને પોષવામાં આવી રહ્યો છે તે એક દિવસ પાકિસ્તાનનો જ નાશ કરી દેશે. પાકિસ્તાને બચવું હોય, તો તેણે પોતાના ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સફાયો કરવો જ પડશે. આ સિવાય શાંતિનો કોઈ રસ્તો નથી. ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે, ટેરર અને ટૉક, એક સાથે ન થઈ શકે, ટેરર અને ટ્રેડ, એક સાથે ન ચાલી શકે અને પાણી અને લોહી પણ એકસાથે ન વહી શકે. હું આજે વિશ્વ સમુદાયને પણ કહેવા માંગુ છું કે, અમારી ઘોષિત નીતિ રહી છે જો પાકિસ્તાન સાથે વાટાઘાટ થશે તો તે ફક્ત ટેરેરિઝમ પર જ થશે, જો પાકિસ્તાન સાથે વાટાઘાટ થશે તો પાકિસ્તાન ઓક્યૂપાઇડ કાશ્મીર- PoK પર જ થશે.

પ્રિય દેશવાસીઓ, આજે બુદ્ધ પૂર્ણિમા છે. ભગવાન બુદ્ધે આપણને શાંતિનો માર્ગ બતાવ્યો છે. શાંતિનો માર્ગ પણ શક્તિમાંથી પસાર થાય છે. માનવતા... શાંતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધો, દરેક ભારતીય શાંતિથી જીવી શકે, વિકસિત ભારતનું સપનું પૂરું કરી શકે, તેના માટે ભારત શક્તિશાળી હોય તે ખૂબ જ જરૂરી છે અને જરૂર પડે ત્યારે આ શક્તિનો ઉપયોગ કરવો પણ જરૂરી છે અને છેલ્લા કેટલાક દિવસોમાં, ભારતે આ જ કર્યું છે. હું ફરી એકવાર ભારતની સેના અને સશસ્ત્ર દળોને સલામ કરું છું. આપણે ભારતીયોની હિંમત અને દરેક ભારતવાસીની એકતાને હું સલામ કરું છું. આભાર...

ભારત માતાની જય !!!

ભારત માતાની જય !!!

ભારત માતાની જય !!!

Advertisement
Tags :
Advertisement