લોનધારકોને RBIની મોટી રાહત : 1 ઓક્ટોબરથી લાગુ થશે નવા નિયમો
મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (આરબીઆઈ) લોન સંબંધિત મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી છે, જે સામાન્ય લોકોને સીધી રાહત આપશે. લોનની પ્રક્રિયા સરળ બને અને મોટી રકમની લોન માટે લાગુ નિયમોમાં લવચીકતા આવે તે માટે આ પગલાં લેવામાં આવ્યા છે. નવા સુધારામાંથી ત્રણ નિયમો 1 ઓક્ટોબરથી અમલમાં આવશે, જ્યારે બાકીના ચાર મુદ્દાઓ પર હજી વિચારણા ચાલી રહી છે.
- નવા નિયમોના મુખ્ય મુદ્દા
ફ્લોટિંગ રેટ લોનમાં ઈએમઆઈમાં રાહત : હવે બેન્ક ત્રણ વર્ષના લૉક-ઈન પીરિયડ પહેલાં પણ ઈએમઆઈ ઘટાડી શકશે. લોનધારકોને વ્યાજદર ઘટે ત્યારે તેનો સીધો લાભ મળશે.
ફિક્સ્ડ રેટથી ફ્લોટિંગ રેટમાં સ્વિચનો વિકલ્પ : લોનધારકો ઈચ્છે તો આ ફેરફાર કરી શકશે, જો કે આ સુવિધા ફરજિયાત નહીં હોય, બેન્ક પોતાની નીતિ મુજબ મંજૂરી આપશે. આ પગલાથી યોગ્ય સમયે લાભદાયી વ્યાજદર પસંદ કરવું સરળ બનશે.
ગોલ્ડ લોન માટે નવી સુવિધા : હવે ફક્ત જ્વેલર્સ જ નહીં, પરંતુ સોના સાથે સંકળાયેલા કારોબારીઓ, કારીગરો અને અન્ય લોકો પણ ગોલ્ડની અવેજમાં લોન મેળવી શકશે. આ કારણે નાના ઉદ્યોગો માટે કાર્યકારી મૂડી એકત્રિત કરવું સરળ બનશે.
ગોલ્ડ મેટલ લોનમાં પણ રાહતઃ આરબીઆઈએ ગોલ્ડ મેટલ લોન (જીએમએલ)ની પુનઃચૂકવણી સમયમર્યાદા 180 દિવસથી વધારીને 270 દિવસ કરી છે. સાથે જ, હવે નોન-પ્રોડ્યુસર જ્વેલરી વેપારીઓને પણ આ લોનનો ઉપયોગ કરી આઉટસોર્સિંગ કરવાની મંજૂરી મળશે. આ બદલાવ ખાસ કરીને એમએસએમઈ અને જ્વેલરી સેક્ટર માટે લાભદાયી સાબિત થશે. આ પગલાંઓથી લોનધારકોને સીધો ફાયદો થશે અને બેન્કિંગ સિસ્ટમ વધુ લવચીક બનશે.