For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં R&Bના અધિકારી 50.000ની લાંચ લેતા પકડાયા, ત્રણ સામે ACBએ ફરિયાદ નોંધી

05:16 PM Oct 30, 2025 IST | Vinayak Barot
રાજકોટમાં r bના અધિકારી 50 000ની લાંચ લેતા પકડાયા  ત્રણ સામે acbએ ફરિયાદ નોંધી
Advertisement
  • રાઇડ્સ સંચાલકને ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે રૂપિયા એક લાખની લાંચ માંગી હતી,
  • રકઝકના અંતે 50 હજારની લાંચ લેવાનું નક્કી કર્યુ હતુ,
  • લાંચના છટકામાં અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા

રાજકોટઃ ગુજરાતમાં લાંચ માગવાના બનાવો વધતા જાય છે. કેટલાક લોકો ફરિયાદ કરવાનું ટાળીને લાંચ આપી દેતા હોય છે. જ્યારે કેટલાક લોકો લાંચ આપવા માગતા ન હોય એસીબીને જાણ કરીને અધિકારીઓ કે કર્મચારીઓને લાંચ લેતા પકડાવી દેતા હોય છે. એક રાઈડ સંચાલકને ફિટનેસ સર્ટીફિકેટ આપવા માટે માર્ગ અને મકાન વિભાગ (આરએન્ડબી)ના અધિકારીએ રૂપિયા એક લાખની લાંચ માગી હતી. અને રકઝકને અંતે 50 હજાર લાંચની રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આથી રાઈડ સંચાલક લાંચ આપવા માગતા ન હોય એસીબીમાં ફરિયાદ કરી હતી. એસીબીએ લાંચનું છટકુ ગોઠવતા માર્ગ અને મકાન વિભાગના ક્લાસ વન અધિકારી કાર્યપાલક ઈજનેર તથા ક્લાસ ટુ અધિકારી નાયબ કાર્યપાલક ઈજનેર અન્ય ખાનગી માણસ સાથે મળી રૂપિયા 50,000ની લાંચ લેતા ઝડપાઇ જતા એસીબીએ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ યોજાતા લોકમેળામાં યાંત્રિક રાઇડ્સનો ધંધો કરતા ફરિયાદીએ ભાગીદારીમાં જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકાના રણુજા ખાતે લોકમેળામાં યાંત્રિક રાઇડ્સ ચકડોળ રાખ્યું હતું. દરમિયાન રાજકોટ માર્ગ અને મકાન વિભાગના ક્લાસ વન અધિકારી કાર્યપાલ ઈજનેર પીયુષ બાબુભાઇ બાંભરોલીયા ચેકિંગમાં ગયા ત્યારે તેની સાથે નાયબ કાર્યપાલ ઈજનેર ક્લાસ ટુ અધિકારી નિરવ પ્રવિણચંદ્ર રાઠોડે ફરિયાદીને યાંત્રિક રાઇડ્સનું ફિટનેસ સર્ટી આપવાના રૂ.1 લાખની માંગણી કરી હતી અને અંતે રૂ.50,000 આપવાનું નક્કી કર્યું હતું. ફરિયાદી ફિટનેસ સર્ટી માટે લાંચ આપવા ન માંગતા હોવાથી મોરબી એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. દરમિયાન આરોપી કાર્યપાલ ઇજનેર પીયુષ બાબુભાઇ બાંભરોલીયાએ ફરિયાદી સાથે વાતચીત કરી લાંચની રકમ આરોપી સુધીરભાઇ નવિનચંદ્ર બાવીશીને આપવાનું કહ્યું હતું. ત્યારે પારેવડીચોક પુલ નીચે બજરંગ ટી સ્ટોલની પાસે આવી લાંચની રકમ રૂ.50,000 સ્વીકારતા સ્થળ ઉપરથી ACBના હાથે પકડાઇ જતા તેની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ માર્ગ અને મકાન વિભાગના બન્ને અધિકારીઓ મળી ત્રણેય સામે લાંચ લેવા બદલ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, બે મહિના પૂર્વે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકમેળા તેમજ ખાનગી મેળાના આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવતા હતા. ત્યારે આરોપીઓ દ્વારા અન્ય કોઈ સંચાલકો પાસે લાંચ લેવામાં આવી છે કે કેમ તે દિશામાં પણ એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement