રામબન ભૂસ્ખલન: જમ્મુ-શ્રીનગર હાઇવેને પુનઃસ્થાપિત કરવામાં વધુ પાંચ દિવસ લાગશે
નવી દિલ્હીઃ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સતત ત્રીજા દિવસે મંગળવારે બંધ રહ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે, હાઇવેને પુનઃસ્થાપિત કરવામાં વધુ પાંચ દિવસ લાગશે. જ્યારે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)ના એન્જિનિયરોનું કહેવું છે કે, હાઇવેને 22 જગ્યાએ નુકસાન થયું છે અને સમારકામનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.
લગભગ 4 થી 5 કિલોમીટરનો ભાગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો
રામબન જિલ્લામાં રવિવારે આવેલા અચાનક પૂરને કારણે થયેલા ભૂસ્ખલનમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા અને 100થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગનો લગભગ 4થી 5 કિલોમીટરનો ભાગ સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો અને અનેક વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. હાઈવે પર સેંકડો મુસાફરો ફસાયેલા છે. ફસાયેલા મુસાફરોને આશ્રય અને ખોરાક પૂરો પાડવા માટે અધિકારીઓ આગળ આવ્યા છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સોમવારે હાઇવે પર કાલી મોર પહોંચ્યા હતા અને રાહત કામગીરીનું નિરીક્ષણ અને નુકસાનનું મૂલ્યાંકન કર્યું હતું.
અસરગ્રસ્ત પરિવારોને બધી રાહત-સહાય પૂરી પાડવામાં આવશે: CM
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, નુકસાન ખૂબ મોટું હતું, પરંતુ આ આપત્તિ સ્થાનિક રીતે બની હતી. તેથી તેને 'રાષ્ટ્રીય આપત્તિ' જાહેર કરી શકાય નહીં. જોકે, મુખ્યમંત્રી અબ્દુલ્લાએ ખાતરી આપી હતી કે, અસરગ્રસ્ત પરિવારોને શક્ય તેટલી રાહત અને સહાય પૂરી પાડવામાં આવશે. તે જ સમયે, જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ડૉ. ફારુક અબ્દુલ્લાએ કેન્દ્ર સરકારને અસરગ્રસ્ત પરિવારો માટે રાહત ભંડોળ પૂરું પાડવા વિનંતી કરી છે.
ગભરામણમાં કરવામાં આવેલી ખરીદીના કારણે સ્ટોકમાં ઘટાડો
આ દરમિયાન, કાશ્મીરના ડિવિઝનલ કમિશ્નર વી.કે.બિધુરીએ ફરીથી વેલીના લોકોને અપીલ કરી છે કે તેઓ ગભરામણમાં ખરીદી ન કરે કારણ કે બે અઠવાડિયા સુધી ચાલે તેટલા ખાદ્યાન્ન અને પેટ્રોલિયમ ઉત્પાદનોનો પૂરતો સ્ટોક છે. લોકો તેમની દૈનિક જરૂરિયાત કરતાં ઘણું વધારે પેટ્રોલ અને ડીઝલ ખરીદવા માટે ખીણપ્રદેશના પેટ્રોલ પંપો પર ભીડ કરી રહ્યા છે. ગાંદરબલ જિલ્લાના એક પેટ્રોલ પંપના કર્મચારીએ કહ્યું હતું કે, "ગભરામણમાં કરવામાં આવેલી ખરીદીને કારણે સ્ટોક ખતમ થઈ રહ્યો છે, કારણ કે અમે દરરોજ સામાન્ય કરતાં ત્રણ ગણો વધુ વાહનચાલકોનો ધસારો જોઈ રહ્યા છીએ."
જમ્મુ-શ્રીનગર હાઇવે બંધ હોવાથી હવાઈ ટિકિટ માટે પણ ભીડ
દક્ષિણ કાશ્મીરના શોપિયાન જિલ્લાને જમ્મુ વિભાગના રાજૌરી જિલ્લા સાથે જોડતો મુઘલ રોડ હાલમાં હળવા મોટર વાહનો (LMV) માટે એક તરફી ટ્રાફિક માટે ખુલ્લો છે. જમ્મુ-શ્રીનગર હાઇવે બંધ થવાને કારણે હવાઈ ટિકિટ માટે પણ ભીડ વધી છે, કારણ કે વેલીની બહાર મુસાફરી કરતા પ્રવાસીઓ અને સ્થાનિક લોકો જમીન મુસાફરીની અનિશ્ચિતતા કરતાં હવાઈ મુસાફરીને પસંદ કરી રહ્યા છે.