લખતરના રાજવી ઠાકોર સાહેબ બલભદ્રસિંહજી ઝાલાનું 96 વર્ષની વયે નિધન
- લખતરની બજારોએ સ્વયંભૂ બંધ પાળ્યો,
- રાજમહેલથી નિકળેલી અંતિમયાત્રાની પાલખીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા,
- લખતર અને થાનમાં શોકનો માહોલ છવાયો
સુરેન્દ્રનગરઃ લખતર - થાનના છેલ્લા રાજવી નેક નામદાર ઠાકોર સાહેબ બલભદ્રસિંહજી ઇન્દ્રસિંહજી ઝાલાનું 96 વર્ષયની વયે ટૂંકી બીમારી બાદ નિધન થતાં થાન અને લખતર તાલુકામાં ગમગીની વ્યાપી ગઈ હતી. લખતરના રાજ મહેલ ખાતે નામદાર ઠાકોર સાહેબ બલભદ્રસિંહજીના પાર્થિવદેહને દર્શન માટે મુકવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો ઠાકોર સાહેબના પાર્થિવદેહના દર્શન કરવા આવ્યા હતા.
લખતર રાજમહેલ ખાતેથી અંતિમયાત્રાની પાલખી શહેરના હવેલી ચોક, પાતળીયા હનુમાન, ખોડિયારમાંની દેરી, મોચી બજાર, મેઈન બજાર, ગાંધી ચોક, ગાડી દરવાજા સહિતના વિવિધ મુખ્યમાર્ગો ઉપર ફરીને લખતર મોતિસર તળાવની પાળની બાજુમાં આવેલા રાજ પરિવારના સ્મશાન ભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. લખતર નામદાર ઠાકોર સાહેબનું નિધન થતા વેપારીઓ દ્વારા લખતર શહેરની મુખ્ય બજાર સ્વયંભુ બંધ પાડવામા આવી હતી. પાલખી યાત્રામાં વઢવાણ ઠાકોર સાહેબ ચૈતન્યદેવસિહજી, મુળી ઠાકોર સાહેબ જીતેન્દ્રસિંહજી, વઢવાણ અને મુળીના યુવરાજ સાહેબ તેમજ થાન ક્ષત્રિય સમાજના અગ્રણી રાણા સાહેબ સહિત સ્ટેટ રાજવીઓ, મહેમાનો, રાજકીય આગેવાનો ક્ષત્રિય સમાજના આગેવાનો, વડીલો, યુવાનો તેમજ લખતર શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ વેપારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. પાલખીયાત્રા દરમિયાન નેક નામદાર ઠાકોર સાહેબના અંતિમ દર્શન કરવા માટે ગ્રામજનોનો મોટી સંખ્યામાં ઘસારો જોવા મળ્યો હતો. તથા પંથકમાં શોકનો માહોલ છવાયો હતો.