સીપી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદ માટે બિનહરીફ બનાવવા માટે રાજનાથસિંહે શરૂ કરી કવાત, ખડગે પાસેથી ટેકો માંગ્યો
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદ માટે રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (એનડીએ) ના ઉમેદવાર તરીકે જાહેર કર્યા પછી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સર્વસંમતિ બનાવવા માટે તૈયારીઓ તેજ કરી છે. દરમિયાન રાજનાથ સિંહે રવિવારે રાત્રે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને ફોન કર્યો અને એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન માટે સમર્થન પણ માંગ્યું હતું.
એનડીએ દ્વારા ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુને તેના એજન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાયેલી ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડની બેઠકમાં, પાર્ટી પ્રમુખ જેપી નડ્ડાએ એનડીએ ઉમેદવાર તરીકે રાધાકૃષ્ણનનું નામ જાહેર કર્યું હતું. રાધાકૃષ્ણન તમિલનાડુમાં ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને રાજ્યપાલ તરીકે લાંબા સમયથી વહીવટી અનુભવ ધરાવે છે.
જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યા બાદ આ પદ ખાલી છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે અને તે જ દિવસે મતગણતરી થશે. ઉમેદવાર દ્વારા નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ છે, જ્યારે ઉમેદવારો 25 ઓગસ્ટ સુધી પોતાનું નામાંકન પાછું ખેંચી શકશે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રાજ્યસભાના 233 ચૂંટાયેલા સાંસદો, રાજ્યસભામાં 12 નામાંકિત સાંસદો અને લોકસભાના 543 સાંસદો મતદાન કરી શકશે. આ રીતે કુલ 788 લોકો મતદાન કરી શકશે.
રવિવારે ઉપરાષ્ટ્રપતિ પદ માટે રાધાકૃષ્ણનનું નામ જાહેર કરતા ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું કે, "ભાજપ તમામ વિપક્ષી પક્ષો સાથે વાત કરીને બિનહરીફ ચૂંટણી કરાવવાનો પ્રયાસ કરશે. અમે તેમનો ટેકો લઈને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી કરાવવાનો પ્રયાસ કરીશું. અમે તેમના સંપર્કમાં છીએ. અમારા વરિષ્ઠ નેતાઓએ તેમના નેતાઓનો સંપર્ક કર્યો છે, જ્યારે એનડીએના તમામ ઘટક પક્ષો અમારી સાથે છે."