મોસ્કોમાં રાજનાથ સિંહે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી
નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન રાજનાથ સિંહે બંને દેશો વચ્ચેના મજબૂત મૈત્રીપૂર્ણ સંબંધોનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત હંમેશા રશિયાની સાથે રહ્યું છે અને ભવિષ્યમાં પણ રહેશે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે બંને નેતાઓએ દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી. તેમણે આશા વ્યક્ત કરી કે બંને દેશો વચ્ચેની ભાગીદારી અને સમન્વયિત પ્રયાસો નોંધપાત્ર પરિણામો પ્રાપ્ત કરશે.
અગાઉ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રશિયાના સંરક્ષણ પ્રધાન આન્દ્રે બેલોસોવ સાથે સૈન્ય અને લશ્કરી ટેકનિકલ સહકાર પર ભારત-રશિયા આંતર-સરકારી આયોગની 21મી બેઠકની સહ-અધ્યક્ષતા કરી હતી. રાજનાથ સિંહે કહ્યું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત છે અને બંને દેશોએ વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીની જવાબદારીઓ નિભાવી છે. રાજનાથ સિંહે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ વર્ષે રશિયાની બે મુલાકાતોથી આ સંબંધ વધુ મજબૂત બન્યો છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે ઘરેલુ સંરક્ષણ ઉદ્યોગની ક્ષમતાને વિસ્તરણ કરવાના સરકારના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ્સમાં રશિયન ઉદ્યોગોની ભાગીદારી વધારવા પર ભાર મૂક્યો હતો. બંને સંરક્ષણ પ્રધાનોએ સહયોગના વર્તમાન અને સંભવિત ક્ષેત્રો પર ભારત-રશિયા આંતરસરકારી આયોગની 21મી બેઠકના ડ્રાફ્ટ પર હસ્તાક્ષર કર્યા.