પહેલગામમાં થયેલા હુમલાના પગલે રાજનાથ સિંહે બોલાવી બેઠક, વિવિધ મુદ્દા ઉપર કરાઈ ચર્ચા
નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે સંરક્ષણ મંત્રાલયમાં એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી હતા. આ બેઠકમાં સીડીએસ અનિલ ચૌહાણ અને એનએસએ અજિત ડોભાલ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહ અને નૌકાદળના વડા દિનેશ ત્રિપાઠી પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલા પર ભારતની પ્રતિક્રિયા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જમ્મુ અને કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી અને સંરક્ષણ મંત્રીએ સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવાના નિર્દેશો આપ્યા હતા. હુમલાખોરોને વહેલી તકે પકડી શકાય તે માટે હુમલો થયો તે સ્થળની આસપાસ સૈનિકોની તૈનાતી વધારવાના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પહેલગામ આતંકવાદી હુમલા અંગે સોશિયલ મીડિયા પર શેર કરેલી એક પોસ્ટમાં લખ્યું હતું કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી તેઓ ખૂબ જ દુઃખી છે. આ નિર્દોષ નાગરિકો પર કાયરતાપૂર્ણ હુમલો છે. નિર્દોષ નાગરિકો અને તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના. જમ્મુ-કાશ્મીરના પહેલગામના બૈસરન વિસ્તારમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચારથી પાંચ આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા TRF એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને છેલ્લા 25 વર્ષમાં પ્રવાસીઓ પરનો સૌથી મોટો આતંકવાદી હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. હુમલાની માહિતી મળતાની સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોડી રાત્રે જમ્મુ અને કાશ્મીર જવા રવાના થયા હતા અને બુધવારે સવારે તેઓ પીડિતોને મળ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત પરત ફર્યા છે.