રાજકોટની ફ્લાઈંગ સ્ક્વોર્ડેએ સાયલા નજીકથી ગેરકાયદે ખનીજ વહન કરતા 5 ડમ્પર પકડ્યા
- સાયલા બાયપાસ રોડ પરથી ગેરકાયદે ખનીજનો બે કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો,
- ડમ્પરના ચાલકો પાસે જરૂરી દસ્તાવેજો રજૂ ન કરી શક્યા,
- પાંચમાંથી ચાર ડમ્પરો રોયલ્ટી પાસ વગર વહન કરતાં હતા
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજચોરીનું દૂષણ વધતું જાય છે. તંત્ર દ્વારા સમયાંતરે દરોડા પાડવામાં આવતા હોવા છતાંયે ખનીજચોરી અટકતી નથી. ત્યારે સુરેન્દ્રનગર ખાણ ખનીજ સહિત સ્થાનિક તંત્રને અંધારામાં રાખી રાજકોટ ફલાઈગ સ્કોડની ટીમ દ્વારા સાયલા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. ત્યારે સાયલા બાયપાસ પાસે ઓવરલોડ ભરી પસાર થતા પાંચ ડમ્પરને રોકવામાં આવ્યા હતા. ચેકિંગ દરમિયાન ડમ્પરના ચાલકો પાસે જરૂરી કાગળ માગતા રજૂ કરી શક્યા ન હતા. ઝડપાયેલા પાંચ ડમ્પરોમાંથી ચાર ડમ્પરોમાં રોયલ્ટી પાસ વગર વહન કરતાં જોવા મળ્યા હતા. રાજકોટની ફ્લાઈંગ સ્વાર્ડની કામગીરીથી ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. દરમિયાન ફલાઈગ સ્કોડની ટીમે બે કરોડ જેટલો મુદ્દામાલ સાયલા હાઈવે ઉપર આવેલી સ્થાનિક કવોરી ઉદ્યોગ પર સીઝ કર્યો હતો. ઝડપાયેલા પાંચ ડમ્પરમાંથી એક ડમ્પર માલિકે સ્થળ ઉપર જ દોઢ લાખનો દંડ ભરી ડમ્પર છોડાવ્યું હતું.
સાયલા વિસ્તારમાં ખનીજની ગેરકાયદે થતી હેરાફેરી સામે તંત્રએ લાલ આંખ કરી છે. અને સુરેન્દ્રનગર ખાણ ખનીજ સહિત સ્થાનિક તંત્રને અંધારામાં રાખી અચાનક રાજકોટની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે સાયલા પંથકમાં કામગીરી કરતા સ્થાનિક તંત્રની ઓચિંતી કાર્યવાહીથી સ્થાનિક તંત્રની પોલ છતી થઈ હતી. પાસ પરમિટ વગર રાત દિવસ અનેક ડમ્પરો માલ ભરી અને વહન કરતા હોય છે. ત્યારે સરકારની તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન સીધું જોવા મળી રહ્યું છે.