પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતા હવે રાજકોટનું ઈન્ટરનેશનલ એરપોર્ટ 24 કલાક કાર્યરત રહેશે
- એરપોર્ટ ઓથોરિટી દ્વારા નિર્ણય લેવાયો
- ત્રણ મહિના દુબઈ, ઓમાન સહિતની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ થઈ શકશે
- વિદેશ જતી ફ્લાઈટ્સ હવે કરાચી કે લાહોર પરથી પસાર નહીં થાય
રાજકોટઃ શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હાલ વિદેશની ફ્લાઈટ્સ આવતી-જતી નથી. ફક્ત ડોમેસ્ટીક સેવા જ શરુ કરવામાં આવી છે. એટલે રાતના સમયે એરપોર્ટનું સંચાલન બંધ રહેતુ હતું. પણ પાકિસ્તાને ભારત માટે એરસ્પેસ સેવા બંધ કરતા ઈમજન્સીના સમયમાં વિદેશની ફ્લાઈટસનું લેન્ડિંગ કરવાની ફરજ પડે તે માટે રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્રણ મહિના સુધી 24 કલાક ખુલ્લુ રહેશે. અહીં કોઇપણ સમયે ઇન્ટરનેશનલ ફ્લાઈટનું લેન્ડિંગ થઈ શકશે. દુબઈ, ઓમાન, શાહજહાં, અમીરાત સહિત મિડલ ઇસ્ટની ફ્લાઈટ માટે રાજકોટ એરપોર્ટને 24 કલાક ચાલુ રાખવા એરપોર્ટ ઓથોરિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ થતી લંડનની ફ્લાઈટ પણ હવે પાકિસ્તાનના એરસ્પેસન ઉપયોગ નહીં કરે તેવી શક્યતા છે, જેથી આગામી સમયમાં તેની જાહેરાત થઈ શકે છે. હજી સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી.
કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ ભારત સરકરાના પગલાંને લઈ પાકિસ્તાને ભારતીય એરલાઈન્સ માટે એરસ્પેસ ક્લોઝ કરતા હાઈ ઓથોરિટી દ્વારા મિડલ ઇસ્ટ દેશોમાંથી આવતી ફ્લાઈટની ઇમરજન્સી લેન્ડિંગ માટે આ નિર્ણય લઈ રાજકોટ એરપોર્ટ ઓથોરિટીને જાણ કરવામાં આવી હતી. આ સંદર્ભે એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરાહના અધ્યક્ષ સ્થાને મહત્ત્વપૂર્ણ મિટિંગ મળી હતી. જેમાં એરપોર્ટના તમામ વિભાગના અધિકારીઓ અને ખાસ કરીને ઓપરેશનલ ટીમ સાથે અગત્યની વાટાઘાટો સાથે 24 કલાક એરપોર્ટને ચાલુ રાખવા માટે વધુ 50 જેટલો સ્ટાફને મોકલવા વેસ્ટર્ન રીજનને જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત કસ્ટમ, ઇમિગ્રેશનની ઓથોરિટીને જાણ કરી છે.
એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા મુજબ ઓમાન, દુબઈ, દોહા અને શાહજહાં માટે ઇન્ડિગો અને એર ઇન્ડિયાની ફ્લાઈટ દિલ્હીથી ઉડાન ભરે છે. આ સેક્ટર માટે પાકિસ્તાનના કરાચી અને લાહોર નેવિગેશન રૂટનો ઉપયોગ થતો હતો. નેવિગેશનનો આ મેપ શોર્ટકટ હતો અને ઈંધણ પણ ઓછું વપરાય છે. પાકિસ્તાનના આ નિર્ણયથી આ ફ્લાઈટ લાહોર કે કરાંચી જઈ શકે તેમ નથી એટલે અમદાવાદ એરપોર્ટને ઇમરજન્સી માટે એપ્રોચ કરાયો હતો પરંતુ ત્યાંનું એરપોર્ટ સતત વ્યસ્ત હોવાથી ઇન્ડિગો એરલાઈન્સે રાજકોટ એરપોર્ટ માટે ભલામણ કરી હતી. મળતી વિગતો અનુસાર ઉચ્ચ કક્ષાએથી ત્રણ મહિના માટે 24 કલાક એરપોર્ટ ચાલુ રાખવા માટેની તૈયારી રાખવા સુચના આપવામાં આવી છે.
રાજકોટ શહેરથી 35 કિલોમીટરના અંતરે હિરાસર ગામ આવેલું છે. જ્યાં 1032 હેક્ટરની વિશાળ જગ્યામાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ વિકસાવવામાં આવ્યું છે. જેમાં પેસેન્જર ટર્મિનલ વિસ્તાર 23 હજાર ચોરસ મીટરનો છે અને ફ્લાઇટ માટે 14 પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યાં છે. કુલ 33,000 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલું છે. અહીંયાં હાલનો રનવે 3040 મીટર લાંબો અને 25 મીટર પહોળાઈ ધરાવે છે. અહીંયાંની ખાસિયત એ પણ છે કે એક જ કલાકમાં 14 ફ્લાઇટ ઉડાન ભરી શકશે અને ફ્લાઇટ લેન્ડ થયાની માત્ર 2 મિનિટમાં રનવે ખાલી પણ થઇ જશે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સાત બોર્ડિંગ ગેટ હશે, જેમાંથી ત્રણ એરોબ્રિજ હશે અને ત્રણ કન્વેયર બેલ્ટ હશે. હીરાસર એરપોર્ટ આંતરરાષ્ટ્રીય હોવાથી અહીં 2 કસ્ટમ કાઉન્ટર સાથે 8 ઈમિગ્રેશન કાઉન્ટર હશે. આ એરપોર્ટની ખાસિયત એ પણ છે કે તે આપેલી સમયમર્યાદામાં 1400 મુસાફરોની વ્યવસ્થા કરવામાં સક્ષમ હશે.