રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ છે, પણ વિદેશની એકપણ ફલાઈટ્સ ઉડાન ભરતી નથી
- સૌરાષ્ટ્ર ચેમ્બર્સ દ્વારા સરકારને રજુઆત,
- રાજકોટથી દિલ્હી અને મુંબઈની વહેલી સવારની ફ્લાઈ ચાલુ કરવા માગ,
- એરપોર્ટ પરથી રોજ 12 ડોમેસ્ટીક ફ્લાઈટ ઉડાન ભરે છે
રાજકોટઃ શહેરની ભાગોળે રાજકોટ-અમદાવાદ હાઈવે નજીક હીરાસર ગામ પાસે કરોડો રૂપિયાના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ એરપોર્ટનું લોકાર્પણ કરાયું ત્યારે સૌરાષ્ટ્રવાસીઓને આશા હતી કે, હવે વિદેશ જવા માટે ઘરઆંગણેથી જ ફ્લાઈટ્સ મળી રહેશે. પરંતુ હજુ એકપણ વિદેશ જવા માટેની ફ્લાઈટસ ઉડાન ભરતી નથી. હાલ એરપોર્ટ પરથી માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ્સની સેવા મળે છે. આથી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને ઈન્ટરનેશનલ સહિત વધુ સારી એરલાઈન્સ સુવિધા મળી રહે તે માટે સરકારમાં રજૂઆત કરવામાં આવે છે.
રાજકોટ શહેર અને તેની આસપાસ આશરે 1.25 લાખથી વધુ ઔદ્યોગિક એકમો આવેલા છે. જેમાં અનેક પ્રોડકટનું ઉત્પાદન અને આંતરરાષ્ટ્રીય સ્તરે નિકાસ પણ થઈ રહી છે. રાજકોટ તથા આસપાસના શહેરો ઔદ્યોગિક હબ તરીકે જાણીતા હોવાથી આયાત-નિકાસ પણ દિન-પ્રતિદિન વધી રહી છે, જેથી વિદેશી મુલાકાતીઓ પણ આવતા હોય છે ત્યારે રાજકોટથી દુબઈ, સિંગાપોર, મલેશિયા તેમજ દિલ્હી અને મુંબઈની વહેલી સવારની ફ્લાઈટ શરૂ કરવા માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા માગ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી 12 જેટલી ડોમેસ્ટીક ફલાઈટની ટ્રીપો ચાલી રહી છે તેમજ મહિને આશરે 90 હજાર જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા છે ત્યારે આટલી ટ્રીપ ખુબ જ ઓછી ગણાય. ખાસ કરીને રાજકોટ-મુંબઈ તથા રાજકોટ-દિલ્હી બંને શહેરો ખાતે મુસાફરી કરનારા પ્રવાસીઓ વધુ હોય છે તો તેને ધ્યાનમાં રાખી રાજકોટ-દિલ્હી માટે સવારની 6 વાગ્યે અને 9 વાગ્યે દૈનિક ફલાઈટ તથા રાજકોટ-મુંબઈ માટે સવારની 6:30 વાગ્યે અને રિટર્ન દૈનિક ફલાઈટ સાંજે 8 વાગ્યાની તાત્કાલિક શરૂ કરવી ખૂબ જ જરૂરી છે. જેથી, કરીને મુસાફરોને બિનજરૂરી રાત્રી રોકાણ ન કરવું પડે અને સમય તથા નાણાંનો વ્યય ન થાય ઉપરાંત રાજકોટ-દુબઈ, રાજકોટ-સિંગાપોર-મલેશીયા-બેંગકોક (ફાર ઈસ્ટ)ની ઈન્ટરનેશનલ ફલાઈટો તાત્કાલિક શરૂ કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા વિવિધ એરલાઈન્સ કંપનીઓ જેવી કે એર ઈન્ડીયા, ઈન્ડીગો, સ્પાઈસ જેટ, વિસ્તારા, એર એશીયા, એર ઈન્ડીયા એકસપ્રેસ, અકાસા, એલાઈન્સ એરને રજુઆત કરવામા આવી છે.