For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વેપારીને દરેક વર્ષની જીએસટીની નોટિસો એકસાથે અપાતા રાજકોટ ચેમ્બર્સએ કર્યો વિરોધ

05:47 PM Jan 27, 2025 IST | revoi editor
વેપારીને દરેક વર્ષની જીએસટીની નોટિસો એકસાથે અપાતા રાજકોટ ચેમ્બર્સએ કર્યો વિરોધ
Advertisement
  • કરદાતાઓને પડતી મુશ્કેલી અંગે રાજકોટ ચેમ્બરે કરી રજુઆત
  • કરદાતાને યોજનાનો લાભ લેવો હોય તો ટેક્સ ચૂકવવો પડે છે
  • પ્રમાણિક કરદાતાને ન્યાય મળતો નથી

રાજકોટઃ સૌરાષ્ટ્રના ઘણાબધા વેપારીઓને જીએસટીના અગાઉના વર્ષોની પણ નોટિસો એક સાથે મળતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જીએસટી દ્વારા વેપારી કરદાતાઓને એકસાથે નોટિસ ફટકારી દેવામાં આવી છે. આ સંજોગોમાં કોઇ કરદાતાને કોઈ નિશ્ચિત વર્ષ માટે યોજનાનો લાભ લેવો હોય તો તેમને તમામ વર્ષોના ટેક્સનું ચૂકવણું કરવું પડે છે. જેને કારણે વેપારીઓ પર આર્થિક બોજો વધારે આવે છે. વેપારી કરદાતાઓની આ સમસ્યાને હલ કરવા માટે રાજકોટ ચેમ્બરે જીએસટી કમિશનરને સૂચનો કર્યા છે, તેમજ કરદાતાઓને પડતી મુશ્કેલીનું નિવારણ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ જીએસટી વિભાગ દ્વારા ઈસ્યૂ કરવામાં આવેલી શો કોઝ નોટિસ બહુવર્ષીય હોવાને કારણે સૌથી મોટી સમસ્યા ઊભી થઈ છે. આ સંજોગોમાં જો કોઈ કરદાતા કોઈ નિશ્ચિત વર્ષ માટે યોજનાનો લાભ લેવા માગે તો તેમને તમામ વર્ષોના ટેક્સનું ચૂકવણું કરવું પડે છે. જેના કારણે તેઓ ઉપર અસહ્ય નાણાકીય બોજો આવે છે. તેથી કરદાતા નિશ્ચિત વર્ષ માટે યોજનાનો લાભ મેળવી શકે તેવી જોગવાઈ લાગુ કરવી જોઈએ. અનેક કરદાતાઓને રિફંડના લાભો મળવાપાત્ર થયા નથી. જેમણે સીજીએસટી એક્ટ-2017નો સેક્શન-73 અંતર્ગત વ્યાજ અને દંડ સાથેની કર જવાબદારી પહેલાથી જ ચૂકવી દીધેલ છે, જે અયોગ્ય છે. સેક્શન-50 હેઠળ લાભાર્થી પાસેથી વિલંબિત ચૂકવણી ચાર્જનું વ્યાજ વસૂલવા માટે નોટિસ આપવામાં આવે છે. જેમાં સ્પષ્ટતાનો અભાવ હોવાને કારણે કરદાતાને વિલંબિત ચૂકવણી વ્યાજના રૂપમાં આર્થિક બોજ સહન કરવો પડે છે.

ચેમ્બર્સના સૂત્રોના કહેવા મુજબ સી-એસજીએસટીમાં એક્ટ 2017ના સેક્શન-74 અંતર્ગત જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા લાભાર્થીઓને તેઓએ પૂરી પાડવા યોગ્ય માહિતી તથા હકીકતોને નજર અંદાજ કરી લાભ મેળવવા માટે અરજી કરી છે તેમ માની શો-કોઝ નોટિસ ઈસ્યૂ કરી છે. સેક્શન 74ના અનુસાર સપ્રેશનના સ્પષ્ટ અર્થ મુજબ કર ચૂકવવા પાત્ર વ્યક્તિએ જરૂરી માહિતીઓ, સ્ટેટમેન્ટ, રિપોર્ટ કે કોઈ પ્રકારના જરૂરી ડોક્યુમેન્ટ અને માગેલ માહિતી રજૂ કરી ન હોય તેવા કિસ્સામાં સપ્રેશન શબ્દ લાગુ પડે છે. જીએસટી એક પોર્ટલ બેઈઝ કર માળખું છે અને તંત્ર દ્વારા સેક્શન-73 અને 74 અંતર્ગત ઇસ્યૂ કરાયેલી નોટિસોના કિસ્સામાં જીએસટી પોર્ટલ ઉપર તમામ હકીકતો ઉપલબ્ધો હોવાને કારણે સપ્રેશનનો આક્ષેપ અન્યાયકારી જણાય છે. રાજ્યમાં સેક્શન-74 હેઠળ ઈસ્યૂ કરવામાં આવેલી નોટિસ આજદિન સુધીમાં અનિર્ણિત હોવાને કારણે કરદાતાઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement