રાજસ્થાનઃ ઝાલાવાડમાં સરકારી સ્કૂલની છત તૂટી પડી, પાંચ બાળકોના મોતની આશંકા
- કાટમાળ નીચે 20થી વધારે વિદ્યાર્થી દબાયા
- સરકારે ઘટનાની તપાસના આપ્યાં આદેશ
જયપુરઃ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોડી ગામમાં શુક્રવારે સવારે એક સરકારી શાળાની છત તૂટી પડતાં નાસૂભાગ મચી ગઈ હતી. પ્રાર્થના સભા દરમિયાન બનેલી આ ઘટનામાં 20 થી વધુ બાળકો કાટમાળ નીચે દટાયા હોવાનો અંદાજ છે. જ્યારે, પાંચ બાળકોના મૃત્યુની માહિતી સામે આવી છે. બીજી તરફ, અકસ્માત બાદ, શિક્ષણ મંત્રી મદન દિલાવરે ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
માહિતી મળ્યા બાદ, આ બનાવની જાણ થતા જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, વહીવટી અધિકારીઓ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતા અને કાટમાળ નીચે દટાયેલા બાળકોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. ઘટના બાદ, સ્થાનિક લોકો મદદ માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એવું બહાર આવ્યું છે કે શાળાની છત ઘણા સમયથી જર્જરિત હતી અને સતત ભારે વરસાદને કારણે છત તૂટી પડવાની શક્યતા હતી. ગંભીર રીતે ઘાયલ બાળકોને ઝાલાવાડ જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ શાળા પીપલોદ ગામમાં બનાવવામાં આવી હતી. માહિતીમાં એ પણ ખુલાસો થયો છે કે કાટમાળ નીચે દટાયેલા બધા બાળકો ધોરણ 7 ના હતા. અકસ્માત સમયે, બાળકો તેમના વર્ગમાં અભ્યાસ કરી રહ્યા હતા.
આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કર્યું, "ઝાલાવાડના મનોહરથાણામાં એક સરકારી શાળાની ઇમારત ધરાશાયી થવાના સમાચાર છે, જેમાં ઘણા બાળકો અને શિક્ષકો ઘાયલ થયા છે. હું ભગવાનને ઓછામાં ઓછા જાનહાનિ અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું."