દાહોદમાં નકલી ચલણી નોટો છાપવાનું રેકેટ રાજસ્થાનની પોલીસે પકડ્યુ
- દાહોદમાં નોટો છાપી રાજસ્થાનના બાસવાડામાં ફરતી કરતા હતા
- દાહોદના ઝાલોદ અને સંજેલીથી બે પ્રિન્ટર લેપટોપ સાથે બે શખસોની ધરપકડ
- રાજસ્થાનથી અગાઉ પકડાયોલા 10 શખસોને રિમાન્ડ પર લેવાયા
અમદાવાદઃ રાજ્યના આદિવાસી વિસ્તાર દાહોદમાં નકલી ચલણી નોટો છાપીને તેને રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં ફરતી કરવાનું કૌભાંડ રાજસ્થાન બાસવાડાની આનંદપુરી પોલીસે ઝડપી પાડ્યું હતું. રાજસ્થાન પોલીસે દાહોદ જિલ્લાના ઝાલોદ અને સંજેલીમાં પણ દરોડો પાડી બે શખસોની ધરપકડ કરી છે.
આ બનાવની વિગતો એવી છે કે, રાજસ્થાનના બાસવાડામાં નકલી ચલણી નોટો ફરતી હોવાની માહિતીના આધારે રાજસ્થાન પોલીસે તપાસ કરતા ચલણી નકલી નોટોના રેકેટનો પડદાફાશ થયો હતો. નકલી ચલણી નોટોના રેકેટમાં સામેલ મુખ્ય સૂત્રધાર સુખરામ તંબોલીયા, કમલેશ તંબોલીયા સહિત 10 લોકોની ધરપકડ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. મુખ્ય સૂત્રધાર રાજસ્થાનના બાસવાડાથી પ્રિન્ટરો અને લેપટોપ ખરીદી ઝાલોદના સંબંધી પાસેથી બનાવટી ચલણી નોટો બનાવવાનું શીખ્યો હતો. દાહોદ ખાતે ભાડાના મકાનમાં 100, 200 અને 500ના દરની બનાવટી ચલણી નોટો પ્રિન્ટ કરી રાજસ્થાનના બાસવાડા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં માર્કેટમાં ઉતારી હતી. પોલીસે આ કૌભાંડમાં 1.39 લાખની બનાવટી નોટો તેમજ બે પ્રિન્ટર લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એટલું જ નહીં પોલીસે ઝાલોદના પેથાપુરના એક વ્યક્તિ તેમજ સંજેલીમાં ફોટો સ્ટુડિયો ચલાવનાર એક ઈસમની ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ બનાવટી ચલણી નોટોનું કૌભાંડ રાજસ્થાનના બાસવાડા તેમજ દાહોદ, ઝાલોદ અને સંજેલી સુધી વિસ્તરાયેલું હતું. ઝડપાયેલા ભેજાબાજોએ બાસવાડા સિવાય દાહોદમાં કેટલી બનાવટી ચલણી નોટો માર્કેટમાં ફરતી કરી છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે. નકલી નોટોના પ્રકરણમાં ઝડપાયેલા આંતરરાજ્ય કૌભાંડમાં સુખારામ તંબોલિયા રાજસ્થાન ખૂંટાગવલીયા ગામનો રહેવાસી છે. તેને કબૂલાત કરી હતી કે નકલી નોટો બનાવવાનું કામ દાહોદના સંબંધી પાસેથી શીખ્યો હતો. સુખારામ અને તેની સાથે કમલેશને પણ દાહોદથી જ નકલી નોટો કઈ રીતે બનાવવી તેનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. દાહોદ ખાતે સુખરામ અને કમલેશને નકલી નોટો બનાવવાનું શીખવાડનાર કોણ તે પણ તપાસનો વિષય છે.