રાજસ્થાનઃ સાયબર ઠગાઈના નેટવર્કનો પર્દાફાશ, છ શખ્સો ઝડપાયાં
જયપુરઃ રાજસ્થાનમાં સાયબર ઠગ્સને ઝડપી લેવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. જેથી સાયબર ઠગ્સ પોલીસથી બચવા અને ઠગાઈ કરવા માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે. દરમિયાન ભરતપુરમાં એક જંગલોમાં બેઠા-બેઠા લોકોને નિશાન બનાવી રહ્યાં હતા. દરમિયાન ચોક્કસ માહિતીના આધારે પોલીસે છાપો મારીને છ ઠગોને ઝડપી લીધા હતા. જયારે છ ગુનેગારો ફરાર થઈ ગયા હતા. તેમને ઝડપી લેવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે.
રાજસ્થાન પોલીસે સાયબર ઠગ્સને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. સાયબર ગુનેગારોને પકડવા માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશન 'એન્ટિવાયરસ'માં પોલીસને મોટી સફળતા મળી છે. સાયબર ફ્રોડના રેકેટને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પોલીસે ઓપરેશન શીલ્ડ શરૂ કર્યું છે. મેવાત વિસ્તારના ગુંડાઓમાં પોલીસના ઓપરેશન એન્ટીવાયરસ અને ઓપરેશન શીલ્ડનો ડર જોવા મળી રહ્યો છે. ગુંડાઓ પોતાનું ગામ અને ઘર છોડીને દૂરના ઉજ્જડ જંગલમાં પાક વચ્ચે તેમના કામચલાઉ આશ્રયસ્થાનથી કામ કરી રહ્યા છે.
અહીંથી જ સાયબર ગુનેગારો પોતાના ઉદ્દેશ્યોને પૂર્ણ કરી રહ્યા છે. આ કડકડતી ઠંડીમાં, ગુંડાઓ દ્વારા બનાવવામાં આવેલા આશ્રયસ્થાનો બધી જ જરૂરી વસ્તુઓથી સજ્જ છે. કૈથવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ઝેંજપુરી ગામના જંગલોમાં પોલીસ સાયબર ઠગનું લોકેશન મેળવી રહી હતી. પરંતુ કડકડતી ઠંડીમાં અને પાક વચ્ચે ગુંડાઓને શોધવાનું પોલીસ માટે એક સમસ્યા સાબિત થઈ રહ્યું હતું. ગુંડાઓએ પાકની વચ્ચે એવી રીતે પોતાનું સ્થાન બનાવ્યું છે કે ત્યાં પહોંચવું લગભગ અશક્ય છે. પરંતુ છતાં પોલીસ ટીમ કોઈક રીતે ત્યાં પહોંચી ગઈ.
છેતરપિંડી કરનારાઓને શોધવા માટે પોલીસે 5 કલાકનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને ત્યારે જ તેમને સફળતા મળી હતી. પોલીસે દરોડો પાડ્યો ત્યારે સ્થળ પરથી 6 ઠગોની ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત, તેના કબજામાંથી સિમ અને મોબાઇલ પણ મળી આવ્યા છે. જોકે, 6 શખ્સો પોલીસને ચકમો આપીને ભાગી જવામાં સફળ રહ્યા હતા. હાલમાં પોલીસ ધરપકડ કરાયેલા ગુંડાઓની પૂછપરછ કરી રહી છે.
ઇન્ટરનેટના યુગમાં સાયબર છેતરપિંડીના કિસ્સાઓ ખૂબ જ સામાન્ય બની ગયા છે. આ દિવસોમાં, સાયબર ધરપકડના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવવા લાગ્યા છે, જ્યાં કેટલાક લોકો નકલી પોલીસ હોવાનો ડોળ કરે છે અને ઓનલાઈન માધ્યમ દ્વારા લોકોને છેતરે છે.