ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, બપોર સુધીમાં 83 તાલુકામાં પડ્યો વરસાદ
- અમદાવાદ સિટીમાં 3.66 ઈંચ અને કપડવેજમાં 2.76 ઈંચ,
- ગુજરાતમાં સીઝનનો 53.39 ટકા વરસાદ નોંધાયો,
- 20 જિલ્લામાં અપાયું ઓરેન્જ એલર્ટ,
અમદાવાદઃ રાજ્યભરમાં અષાઢી માહોલ જામ્યો છે.અમદાવાદ અને ગાંધીનગર સહિત 21 જિલ્લામાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આજે બપોરના 2 વાગ્યા સુધીમાં 83 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં અમદાવાદમાં સૌથા વધુ 3.66 ઈંચ અને કપડવંજમાં 2.76 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત તલોદ, સિનોર, પ્રાતિંજ, ઝઘડિયા, માણસા, ભરૂચ, બાલાસિનોર, ઉમરગાંમ, સહિત 83 તાલુકામાં વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે.
ગુજરાતમાં 16 જૂનથી મેઘરાજાએ કરેલા પ્રારંભ બાદ અત્યાર સુધી સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે. શરૂઆતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ વચ્ચે થોડો બ્રેક લીધો હતો. જોકે, છેલ્લા બે દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે બપોરે 2 વાગ્યા સુધી અમદાવાદ સહિત 83 તાલુકામાં વરસાદ પડ્યો હતો. આજે સવારથી આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. અમદાવાદ, ખેડા, ગાંધીનગર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, પાટણ, આણંદ, ભરૂચ, વલસાડ, અરવલ્લી, મહિસાગર, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, નવસારી તેમજ દમણ, દાદર અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
અમદાવાદ શહેરમાં ગઈ મોડી રાતથી વિવિધ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. શહેરના રાણીપ, ગોતા, ચાંદલોડિયા, ન્યુ રાણીપ, ચાંદખેડા, મોટેરા, જગતપુર, એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં અડધો ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે. ત્યારબાદ આજે વહેલી સવારે પણ શહેરના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો હતો. જ્યારે વહેલી સવારથી પ્રહલાદનગર, આનંદનગર, એસજી હાઇવે, થલતેજ, શીલજ, બોપલ, સરદાર પટેલ રિંગ રોડ, ઇસનપુર, સીટીએમ, જશોદાનગર, ઘોડાસર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે.