ગુજરાતમાં ચાર દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ પડવાની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં લગભગ ચાર દિવસ સુધી વિરામ લીધા પછી ફરીથી વરસાદ પડવાની આગાહી છે. આ વખતે આખા ગુજરાતમાં વરસાદ નહીં પડે, પરંતુ આઠથી 12 જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે 14 સપ્ટેમ્બર, રવિવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે. એ બાદ 15 સપ્ટેમ્બર સોમવારે છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. આ તમામ વિસ્તારો માટે યલો ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે.
16 સપ્ટેમ્બર મંગળવારે પણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડશે તેવું આગાહીમાં જણાવાયું છે. આગામી મંગળવારે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 108 ટકા વરસાદ પડી ગયો છે. તેમાંથી કચ્છમાં 136 ટકા વરસાદ થયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 118 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 110 ટકા, સૌરાષ્ટ્રમાં 93 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 111 ટકા વરસાદ પડી ગયો છે.
ઉત્તર ગુજરાતમાં 15 મોટાં જળાશયોમાંથી અત્યાર સુધીમાં ત્રણ ડૅમ છલકાઈ ગયા છે, જ્યારે મધ્ય ગુજરાતમાં 17માંથી નવ ડૅમ છલકાયા છે. સાઉથ ગુજરાતમાં 13માંથી નવ ડૅમ અને કચ્છમાં 20માંથી 13 ડૅમ છલકાયા છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 141માંથી 73 ડૅમ છલકાયા છે. રાજ્યમાં કુલ 206માંથી 107 ડૅમ છલકાયા છે.