ગુજરાતમાં બપોર સુધીમાં વધુ 39 તાલુકામાં વરસાદ પડ્યો, 19મીથી ભારે વરસાદની આગાહી
- ભારે વરસાદની આગાહીને લીધે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સુચના,
- મંગળવારે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન 82 તાલુકામાં વરસાદ પડ્યો,
- સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી જળબંબોળની સ્થિતિ
અમદાવાદઃ ગુજરાતમાં આજે સવારથી બપોર સુધીમાં 39 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 4.13 ઈંચ, જુનાગઢના માંગરોળમાં 3.74 ઈંચ, તેમજ વલસાડના ઉંમરગાંવ, વાપી, જુનાગઢના માળિયા હાટિના, દ્વારકા, ખંભાળિયા સહિત 39 તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમજ આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન 82 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ગીર સોમનાથના સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદ પડતા જળબંબોળની સ્થિતિ સર્જાઈ હતી. વેરાવળ, કોડીનાર, ગીર ગઢડામાં પણ બેથી 5 ઈંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે, 25 ઓગસ્ટ સુધી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં 22 ઓગસ્ટ સુધી રાજ્યના છુટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. જેમાં ખાસ કરીને 19 અને 20 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદની કુલ 4 સિસ્ટમ અત્યારે સક્રિય છે, જેના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
મેઘરાજાએ વિરામ લીધા બાદ ફરી ચોમાસું સક્રિય થયુ છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે મંગળવારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે
હવામાન વિભાગના કહેવા મુજબ બંગાળની ખાડીમાં વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે, આ સાથે મોન્સૂન ટ્રેફ જેવી સિસ્ટમને લીધે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.