For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 125 તાલુકામાં વરસાદ પડ્યો, નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા

04:34 PM Sep 04, 2025 IST | Vinayak Barot
ગુજરાતમાં આજે બપોર સુધીમાં 125 તાલુકામાં વરસાદ પડ્યો  નર્મદા ડેમના 15 દરવાજા ખોલાયા
Advertisement
  • ગુજરાતમાં સીઝનનો 92 ટકાથી વધુ વરસાદ નોંધાયો,
  • રાજ્યમાં 113 ડેમો હાઈએલર્ટ પર,
  • સરદાર સરોવર ડેમમાં 89 ટકાથી વધુ જળસંગ્રહ

અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 125 તાલુકામાં ઝાપટાંથી લઈને ત્રણ ઈચ જેટલો વરસાદ પડ્યો છે, રાજ્યમાં ફરી એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. બંગાળની ખાડીમાં મજબૂત વરસાદી સિસ્ટમ બની છે, જે ગુજરાત પરથી પસાર થાય એવી પૂરી સંભાવનાઓ છે. આ સિસ્ટમને કારણે આજથી રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે.

Advertisement

ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજાએ તમામ વિસ્તારમાં મેઘમહેર કરી છે. ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. 04 સપ્ટેમ્બર 2025ની સ્થિતિએ સરેરાશ 92.64 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 96.94 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 96.91 ટકા, પૂર્વ-મધ્યમાં 93.79 ટકા, કચ્છમાં 85.14  ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 84.74  ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ફરી એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. બંગાળની ખાડીમાં મજબૂત વરસાદી સિસ્ટમ બની છે, જે ગુજરાત પરથી પસાર થાય એવી પૂરી સંભાવનાઓ છે. આ સિસ્ટમને કારણે 4થી 8 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યું છે. આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Advertisement

ઉપરવાસમાંથી 4 લાખ ક્યુસેક પાણીની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.47 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે 3 સપ્ટેમ્બરના રાતથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 15 દરવાજા અને આરબીપીએચ, કેનાલ મારફતે 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 10 સેમીનો વધારો નોંધાયો છે. વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 113 ડેમ હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં 82 ડેમ 100 ટકા, 68 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 24 ડેમ 50 થી 70 ટકા વચ્ચે જ્યારે 17 ડેમ 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 89 ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે જણાવ્યું કે, મોન્સૂન ટ્રફના કારણે આ વરસાદી માહોલ બન્યો છે. આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર વધશે. આજે, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, સુરત અને પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે

Advertisement
Tags :
Advertisement