For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં બપોર સુધીમાં 103 તાલુકામાં વરસાદ, તાપીનો ડોલવણમાં 6.34 ઈંચ

04:33 PM Aug 29, 2025 IST | Vinayak Barot
ગુજરાતમાં બપોર સુધીમાં 103 તાલુકામાં વરસાદ  તાપીનો ડોલવણમાં 6 34 ઈંચ
Advertisement
  • ધરોઈ ડેમના વધુ બે દરવાજા ખોલાતા સાબરમતીમાં ફરી પૂરની સ્થિતિ,
  • રાજ્યમાં 102 જળાશયો હાઈ એલર્ટ પર,
  • આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ભાદરવાને ભરપૂર બનાવવા માટે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે પણ બપોર સુધીમાં 103 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં તાપીના ડોલવણમાં 6.34 ઈંચ, પંચમહાલના શહેરામાં 4.25 ઈંચ, વાલોડમાં 3.31 ઈંચ, ઉમરેઠમાં 2.76 ઈંચ, નડીયાદમાં 2.56 ઈંચ તેમજ બાકીના તાલુકાઓમાં પણ એકથી અઢી ઈંચ જેટલો વરસાદ આજે બપોર સુધીમાં પડ્યો હતો, રાજ્યના હવામાન વિભાગે આગામી 7 દિવસ એટલે કે, 28 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.

Advertisement

રાજ્યમાં લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની છે. દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે જ દરિયાકાંઠે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજ્યમાં વરસાદી સીઝનનો 87.28 ટકા વરસાદ પડી ગયો છે. વરસાદને લીધે 102 ડેમો હાઈએલર્ટ પર છે. સરદાર સરોવર ડેમમાંથી 94550 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

આજે વહેલી સવારથી જ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસના વરસાદના કારણે મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક થતાં વધુ બે દરવાજા ખોલી કુલ ચાર દરવાજા દ્વારા પાણી સાબરમતીમાં છોડાવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સાવધાનીના ભાગરૂપે લોકોને સુરક્ષિત જગ્યાએ રહેવા અપીલ કરી છે.

Advertisement

ગુજરાતમાં આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન 148 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7.48 ઈંચ તો સૌથી ઓછો વરસાદ સુરેન્દ્રનગરના લખતરમાં 1 મિમી નોંધાયો હતો.  સુરત અને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહી રહી છે. માંગરોળના મોટા બોરસરા ગામે કિમ નદી પર બનાવેલો બેરલ કોઝવે સીઝનમાં છઠ્ઠીવાર ઓવરફ્લો થયો છે. તાપી જિલ્લાના ડોલવણ અને ઉપરવાસમાં વરસાદને કારણે પુર્ણા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ડાંગ અને તાપીમાં પડેલા વરસાદ બાદ હાલ પુર્ણા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. ડોલવણ તાલુકાના વાંકલા ગામેથી પસાર થતી પુર્ણા નદીમાં પાણી વધી રહ્યું છે. તંત્રએ નદીના પટમાં માછીમારી કરવા કે અન્ય કોઈ કામ માટે નહીં જવા અપીલ કરી છે.

Advertisement
Tags :
Advertisement