રાજકોટમાં વરસાદના ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ
- કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, મવડી રોડ પર પાણી ફરી વળ્યા
- જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠુ પડ્યાના વાવડ,
રાજકોટઃ શહેરમાં આજે પણ વાદળછાયું વાતાવરણ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શનિવારે પણ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને શહેરનાં કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, મવડી, નાનામૌવા અને રેસકોર્સ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. જેને પગલે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડતાં જગતનો તાત ચિંતામાં મુકાયો છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે રવિવાર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આજે રવિવારે મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જોકે બપોર સુધી વરસાદ પડ્યાના વાવડ મળ્યા નથી. ગઈકાલે શનિવારે રાજકોટ શહેરમાં સવારે ભારે ગરમી બાદ બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને ભારે પવનની સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતું. જેને કારણે શહેરના રેસકોર્સ રિંગરોડ, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, નાનામૌવા તેમજ મવડી આસપાસના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. અચાનક પડેલા આ વરસાદને કારણે દિવસનો સમય હોવા છતાં વાહનની લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી હતી.
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે રાજકોટ શહેરમાં સૌથી વધુ રેકર્ડબ્રેક તાપમાન નોંધાયુ હતુ.. જેમાં તાપમાનનો પારો એક તબક્કે 46 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. એપ્રિલનાં મોટાભાગના દિવસોમાં રાજકોટનું તાપમાન 45 ડિગ્રીથી વધારે રહ્યું છે. જોકે, છેલ્લા ચારેક દિવસથી કમોસમી વરસાદનાં ઝાપટા વરસતા ગરમીનો પારો નીચે આવ્યો છે. બપોર બાદ અચાનક સમગ્ર વાતાવરણ બદલાવા લાગ્યું હતું તેમજ થોડીવાર બાદ પવન સાથે ધીમીધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક ફરી વળી હતી.