મહુવા માર્કેટિંગ યાર્ડમાં વરસાદને લીધે ખૂલ્લામાં રાખેલી મગફળીનો જથ્થો પલળી ગયો
- શેડની સુવિધા હોવા છતાં ખુલ્લામાં રખાતી જણસીથી ખેડૂતોને નુકસાન,
- મગફળીની આવક બે દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી,
- મગફળીની વધુ પડતી આવક અને વરસાદી વાતાવરણને લીધે નિર્ણય લેવાયો
ભાવનગરઃ મેઘરાજા વિદાય લેવાની તૈયારીમાં છે. ત્યારે ફરીવાર જિલ્લાના મહુવા સહિત વિસ્તારોમાં વરસાદી મોહાલ સર્જાયો છે. મહુવામાં પડેલા વરસાદને લીધે માર્કેટ યાર્ડમાં ખૂલ્લામાં રખાયેલી મગફળીની ગુણીઓ પલળી ગઈ હતી. મહુવા માર્કેટ યાર્ડમાં આધુનિક શેડની સુવિધા હોવા છતાં જણસીને ખુલ્લામાં રાખવામાં આવી હતી.
મહુવા માર્કેટ યાર્ડમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં 20,000થી વધુ ગુણી મગફળીની આવક નોંધાઈ હતી. તેમાંથી માત્ર અમુક ભાગની જ હરાજી થઈ શકી. બાકીની 5000થી વધુ ગુણી મગફળી વરસાદમાં પલળી ગઈ છે. હવે તડકો નીકળ્યા બાદ મગફળી સુકાશે ત્યારે જ નુકસાનનો સાચો અંદાજ આવશે. માર્કેટ યાર્ડમાં મોટા પેક હાઉસ અને શેડની સુવિધા હોવા છતાં મગફળી અને ડુંગળી જેવી જણસીને ખુલ્લામાં રાખવામાં આવે છે. આના કારણે વરસાદ પડતાં જ ખેડૂતોની જણસી બગડી જાય છે. યાર્ડના જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશો તરફથી યોગ્ય કાર્યવાહી ન થતાં ખેડૂતોએ પોતાની વેદના વ્યક્ત કરી છે. ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓ માર્કેટ યાર્ડના સંચાલકો સામે સવાલ ઉઠાવી રહ્યા છે કે આટલી સગવડ હોવા છતાં શા માટે જણસીને ખુલ્લામાં રાખવામાં આવે છે.
દરમિયાન મહુવા માર્કેટ યાર્ડ દ્વારા મગફળીની આવક બે દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. યાર્ડમાં મગફળીની વધુ પડતી આવક અને વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. યાર્ડ સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલી સૂચના મુજબ, મગફળીની આવક 19 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 9 વાગ્યાથી બંધ કરવામાં આવી છે.