ગુજરાતમાં બપોર સુધીમાં 135 તાલુકામાં વરસાદ, 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી
- સાબરકાંઠાની હરણાવ નદીમાં પૂર,
- છોટાઉદેપુરમાં મકાન પડતાં બે મહિલાનાં મોત,
- દરિયાકાંઠે 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 135 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સાબરકાંઠાના વિજયનગર,મહિસાગરના બાલાસિનોર, તાપીના સોનગઢ, તેમજ કપડવંજ, ઉમરપાડા, દાંતા, વડાલી સહિત વિસ્તારોમાં એકથી બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આજે પણ આકાશ વાગળોથી ગોરંભાયેલુ રહ્યું હતું. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 225 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં સીઝનનો વરસાદ 84.06 ટકા થયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં સીઝનનો 86.41 ટકા અને કચ્છમાં સીઝનનો 85.08 ટકા નોંધાયો છે.
રાજ્યના હવામાન વિભાગે આગામી 5 દિવસ, એટલે કે 30 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં દરિયાકાંઠે 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે, સાથે જ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
ધરોઈ ડેમમાંથી ગઈકાલે રવિવારે પાણી છોડવામાં આવતા સાબરમતી નદીમાં ભારે પૂર આવ્યું હતું. જેમાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના વોક-વે પર પાણી ફરી વળ્યાં છે. સાબરમતી નદી પર બૂલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે, તે તમામ માલ-સામાન પાણીમાં વહી ગયો છે. તાપી જિલ્લામાં નદીઓમાં પૂર આવતા ગ્રામ્ય વિસ્તારના કુલ 6 માર્ગ બંધ થયા છે. તેમાં વ્યારા અને ડોલવણ તાલુકાના એક-એક માર્ગ તેમજ સોનગઢ તાલુકાના ચાર માર્ગ સામેલ છે. વ્યારા તાલુકાના ચીજબરડી ગામને જોડતો લો લેવલ પુલ પણ પાણીમાં ગરકાવ થયો છે. માર્ગ બંધ થતા વાહનચાલકોને મુશ્કેલી ઊભી થઈ છે.
ગાંધીનગર નજીક આવેલા સંત સરોવરમાં ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને પગલે સતત પાણીની આવક વધી રહી છે. આજે ત્રીજા દિવસે પણ સરોવરના 21 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં સંત સરોવરમાં 23,420 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે 27,282 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વધુમાં, ઉપરવાસમાં આવેલા ધરોઈ ડેમમાંથી પણ 85,484 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે સંત સરોવરમાં પાણીની આવક સતત વધી રહી છે.