ગુજરાતમાં હજુ બે દિવસ વરસાદની આગાહી પણ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો થશે વધારો
- રાજ્યમાં રવિવાર સુધી કમોસમી વરસાદ પડી શકે છે
- શનિવારથી તાપમાનમાં ક્રમશઃ વધારો થવાની શક્યતા
- આકાશમાં વાદળો વિખરાતા ગરમીમાં વધારો થશે
અમદાવાદઃ રાજ્યના હવામાન વિભાગે આગામી 11મી મે, રવિવાર સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે, ત્યારે આકાશમાં વાદળો વિખરાતા હવે તાપમાનમાં ક્રમશઃ વધારો થવાની શક્યતા છે. રાજ્યમાં વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી હતી. આજે પણ મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ 31 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. પણ આગામી બે-ત્રણ દિવસમાં તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યા બાદ આજથી વરસાદનું જોર ઘટ્યુ છે. આજે શુક્રવારે બપોર સુધીમાં 32 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટા પડ્યા હતા. જેમાં ગાંધીનગરના દહેગામમાં 23 મીમી, અને ભરૂચના વાગરામાં 18 મીમી વરસાદ નોંધાયો હતો. બાકીના 30 તાલુકામાં ઝાપટાં પડ્યા હતા. રવિવાર સુધી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
રાજ્યના તાપમાનમાં પણ આજથી બેથી ચાર ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. માવઠાની અસર દૂર થતા રાજ્યમાં ધીમે-ધીમે ગરમીનો વધારો થશે. રવિવાર સુધી 40- 50 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. એ સિવાય સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ વરસાદની શક્યતા રહેશે.