બનાસકાંઠામાં 26મી ડિસેમ્બરથી ત્રણ દિવસ માવઠાની આગાહી, ખેડુતો ચિંતિત
- અનાજ પલળે નહીં તે માટે માર્કેટ યાર્ડને અપાઈ સુચના
- ખેડુતોને પણ અનાજ સહિતને પાક ખૂલ્લામાં ન રાખવા અપીલ કરાઈ
- ડીસામાં સવારથી જ ધુમ્મસ છવાયું
પાલનપુરઃ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં તા. 26મી ડિસેમ્બરથી ત્રણ દિવસ માવઠું પડવાની શક્યતા છે. જેમાં બનાસકાંઠામાં એલર્ટ જાહેર કરાતા ખેડુતો ચિંતિત બન્યા છે. કમોસમી વરસાદ અને ભારે પવનને લીધે રવિપાકને નુકશાન થવાનો ભય ખેડુતો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે જિલ્લાના વહિવટી તંત્ર દ્વારા માર્કેટ યાર્ડના સત્તાધિશોને સુચના આપીને યાર્ડના ખૂલ્લા મેદાનમાં પડેલો માલ પલળે નહીં તેની તકેદારી રાખવા જણાવાયું છે. ઉપરાંત ખેડુતોને પણ સુચના આપવામાં આવી છે. જિલ્લામાં છેલ્લા બં દિવસથી વાદળછાંયુ વાતાવરણ છે. ડીસામાં સવારથી ગાઢ ધૂમ્મસ છવાયું હતું.
હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આગામી તા.26/12/2024 થી તા.28/12/2024 સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (માર્કેટ યાર્ડ)માં ખુલ્લામાં રાખવામાં આવેલી અનાજની બોરીઓ વરસાદથી પલળીને અનાજ બગડી ન જાય તેની સાવચેતી રાખવા તેમજ તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, સબ સેન્ટરોમાં તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમિયાન પલળી ન જાય તેનું ધ્યાન રાખવામાં આવે તે અંગે સુચના આપવામાં આવી છે.
જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અપીલ કરતા જણાવ્યું છે કે, ખેડૂતોએ પાકના રક્ષણ માટે કેટલાક તકેદારીનાં પગલા લેવા જરૂરી છે. ખુલ્લા અનાજને કે ચારને પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો સહિતની તકેદારીઓ રાખવી જરૂરી છે.
બનાસકાંઠાના ડીસા પંથકમાં વહેલી સવારથી ધુમ્મસ સાથે વાદળછાયું વાતાવરણ થતાં માવઠું થાય તેવો માહોલ જોવા મળ્યો હતો. ઠંડીનો પારો 16.3 ટકા નોંધાયો છે. ઠંડા પવનના કારણે દિવસ પર લોકો ગરમ વસ્ત્રો પહેરેલા જોવા મળ્યા હતા. ત્યારે ડીસા પંથકના લીલાછમ ખેતરોને જાણે ચાદર ઓઢી હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. હાલ રવિ સિઝનમાં ડીસા પંથકમાં બટાકાનું વાવેતર થયેલું છે. ત્યારે આ ધુમ્મસ અને માવઠાના કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. જેથી વાતાવરણ બદલતાં જ ખેડૂતો ચિંતિત બન્યા છે.