ગુજરાતમાં બપોર સુધીમાં 47 તાલુકામાં પડ્યો વરસાદ, નવસારીમાં જળબંબાકાર
- આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા,
- ગુજરાતમાં સીઝનનો સરેરાશ વરસાદ 54.14 ટકા નોંધાયો,
- આજે 33 જિલ્લામાં યલો એલર્ટ અપાયુ
અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 47 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં નવસારીના જલાલપોરમાં 3 ઈંચથી વધુ વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા હતાય જ્યારે નવસારી, ગણદેવી, સુરતના મહુવા, પલસાણા, વડોદરાના કરજણ, સહિત 47 તાલુકામાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આજે ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. આજે સવારના 6 વાગે પુરા થતાં 24 કલાક દરમિયાન 132 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ ખેડાના કપડવંજમાં 4.8 ઈંચ વરસાદ પડ્યો હતો. આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 47 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં વહેલી સવારથી અવિરત પડી રહેલા વરસાદને કારણે નવસારી શહેરનું જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. રાત્રે 2 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધીમાં 6 કલાકમાં નવસારીમાં અઢી ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના મુખ્ય રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ જવાથી પરિસ્થિતિ વધુ વણસી છે. આ ગરનાળું પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડે છે. હવે લોકોને એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે લાંબો રસ્તો કાપવો પડી રહ્યો છે.
જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ લાવશે. જૂલાઈમાં સૂર્યનો પ્રવેશ પુષ્ય નક્ષત્રમાં થશે. પુષ્ય નક્ષત્રમાં વરસાદી પાણી સારૂ ગણાશે. હાલમાં 3 સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ આવશે. તો ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર સાથે ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયુ છે, જેથી વરસાદી માહોલ છવાયો છે. 3 જૂલાઈ થી 27 જુલાઈ સુધી ગુજરાતમાં વધુ એક સિસ્ટમ સક્રીય થશે. ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો વડોદરામાં વરસાદ આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત-કચ્છમાં ભારે વરસાદ થશે. રાજકોટ, સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, ભાવનગર, ચોટીલા, થાનમાં ભારે વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં નવી સિસ્ટમ ભારે વરસાદ લાવશે. 26 જૂલાઈથી 29 જૂલાઈ સુધીમાં અણધાર્યો વરસાદ થશે. 1લી ઓગસ્ટથી ગુજરાતમાં નવા વાદળો બનશે.