મિઝોરમને પ્રથમવાર રેલવેની ભેટ, 9,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટોનો શિલાન્યાસ
આઇઝોલ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મિઝોરમને ઐતિહાસિક ભેટ આપી છે. આઇઝોલ ખાતે તેમણે 9,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટોનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું. ખાસ કરીને મિઝોરમને પહેલી વાર ભારતીય રેલવે નેટવર્ક સાથે જોડતી બેરાબી-સૈરાંગ રેલ લાઇનનું ઉદ્ઘાટન કરીને રાજ્યને દેશના રેલવે નકશા પર સ્થાન અપાવ્યું છે. આ પગલું મિઝોરમના વિકાસ અને કનેક્ટિવિટીના દ્રષ્ટિકોણે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, “મને દેશ-વિદેશમાં પૂર્વોત્તર ભારતની સંસ્કૃતિનો રાજદૂત બનવામાં ગર્વ થાય છે. પૂર્વોત્તરની અપાર સંભાવનાઓ રોકાણકારો સુધી પહોંચાડવી જરૂરી છે. રાઇઝિંગ નોર્થ ઈસ્ટ સમિટ આ દિશામાં મોટું મંચ સાબિત થઈ રહ્યું છે.”
પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, “‘વોકલ ફોર લોકલ’થી પૂર્વોત્તરના ખેડૂતો અને કારીગરોને સીધો લાભ થશે. મિઝોરમના બાંસ ઉત્પાદનો, ઓર્ગેનિક આદુ, હળદર અને કેળા આખા દેશમાં જાણીતા છે. તાજેતરમાં જ અમલમાં આવેલા નવી પેઢીના જીએસટી સુધારા પરિવારોના જીવનને સરળ બનાવશે.”
મિઝોરમના કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી મોદી મણિપુર જશે, જ્યાં તેઓ 8,500 કરોડ રૂપિયાથી વધુ ખર્ચની વિકાસ યોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ કરશે.