જલગાંવ ટ્રેન દૂર્ઘટનાની રેલવે સેફ્ટી કમિશનર તપાસ કરશે
મુંબઈઃ જલગાંવમાં ટ્રેન દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 13 ઉપર પહોંચ્યો છે. બીજી તરફ ઘાયલોની સારવાર ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. દરમિયાન સમગ્ર ઘટનાની તપાસ રેલવે સેફ્ટી કમિશનરને સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જલગાંવ ટ્રેન અકસ્માતમાં મૃતકોની સંખ્યા 13 થઈ ગઈ છે, જેમાં ઘટના સ્થળે પાટા નજીકથી એક વિકૃત મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે જણાવ્યું કે મૃતદેહનું માત્ર ધડ જ મળી આવ્યું છે. બુધવારે સાંજે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ચેઇન પુલિંગની ઘટના બાદ મુંબઈ જતી પુષ્પક એક્સપ્રેસમાંથી ઉતરેલા કેટલાક મુસાફરોને નજીકના ટ્રેક પરથી પસાર થતી કર્ણાટક એક્સપ્રેસે ટક્કર મારી હતી.
સ્પેશિયલ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ દત્તાત્રેય કરાલેએ જણાવ્યું હતું કે, "અત્યાર સુધી અમે 13માંથી આઠ મૃતદેહોની ઓળખ કરી છે, જેમાંથી બેની ઓળખ તેમના આધાર કાર્ડ દ્વારા કરવામાં આવી છે." આ દૂર્ઘટનાની તપાસ સેન્ટ્રલ સર્કલ (CRS) ના રેલવે સેફ્ટી કમિશનર ઘટનાના કારણોની તપાસ કરશે. સેન્ટ્રલ સર્કલના સીઆરએસ મનોજ અરોરાએ જણાવ્યું હતું કે તેઓ અકસ્માત સ્થળની મુલાકાત લેશે.
ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ સર્કલના રેલ્વે સેફ્ટી કમિશનર આ અકસ્માતની તપાસ કરશે. સેન્ટ્રલ સર્કલના સીઆરએસ મનોજ અરોરાએ જણાવ્યું હતું કે તેઓ પાચોરા નજીક પારધાડે અને માહેજી રેલ્વે સ્ટેશન વચ્ચે અકસ્માત સ્થળ પર પહોંચશે. અકસ્માતની તપાસ માટે પ્રત્યક્ષદર્શીઓ અને મુસાફરોના નિવેદનો નોંધવામાં આવશે. દરમિયાન, મધ્ય રેલવેના ભુસાવલ ડિવિઝનના એક રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે CRS અકસ્માતમાં સંડોવાયેલી ટ્રેનોના ક્રૂ સભ્યો સાથે પણ વાત કરશે.