કેન્દ્ર સરકાર તરફથી રેલવે કર્મચારીઓને દિવાળીની ભેટ મળી શકે છે
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર તરફથી રેલવે કર્મચારીઓને દિવાળીની ભેટ મળી શકે છે. સરકાર આવનારી મંત્રીમંડળની બેઠકમાં રેલવે કર્મચારીઓ માટે પ્રોડક્ટિવિટી આધારિત બોનસના પ્રસ્તાવને લીલી ઝંડી આપી શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને આ જાહેરાત તાત્કાલિક થઈ શકે છે.
આ બોનસ મુખ્યત્વે નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને આપવામાં આવે છે, જેથી તેમના યોગદાન અને ભારતીય રેલવેની કામગીરીમાં થયેલા સુધારા માટે પ્રોત્સાહન મળે. ગયા વર્ષે આશરે 11 લાખ કર્મચારીઓને બોનસ મળ્યું હતું, જેના કારણે કર્મચારીઓમાં ઉત્સાહ વધ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ વખતે પણ બોનસની જાહેરાત નિશ્ચિત માનવામાં આવી રહી છે. બોનસની ચૂકવણીથી કર્મચારીઓને ઘરેલુ ખર્ચ કરવા પ્રોત્સાહન મળશે, સાથે જ તહેવારોની સીઝનમાં જીએસટી ઘટાડાનો લાભ અને બોનસની લ્હાણીથી સ્થાનિક વપરાશમાં વધારો થવાની અપેક્ષા છે.
રેલવે કર્મચારી સંગઠનો લાંબા સમયથી પ્રોડક્ટિવિટી બોનસમાં વધારો કરવાની માંગણી કરી રહ્યા છે. સાથે જ આઠમા પગાર પંચની સ્થાપના માટે પણ દબાણ કરવામાં આવી રહ્યું છે. ભારતીય રેલવે કર્મચારી ફેડરેશન (IREF)એ જણાવ્યું છે કે હજુ સુધી છઠ્ઠા પગાર પંચ મુજબ રૂ. 7,000ના લઘુત્તમ પગાર આધારિત બોનસ આપવામાં આવી રહ્યો છે, જ્યારે સાતમા પગાર પંચ મુજબ લઘુત્તમ પગાર રૂ. 18,000 છે.
IREFના રાષ્ટ્રીય મહાસચિવ સર્વજીત સિંહે આ સ્થિતિને "અત્યંત અન્યાયી" ગણાવી છે. ઓલ ઈન્ડિયા રેલવે કર્મચારી ફેડરેશન (AIRF)એ પણ માસિક મર્યાદા રૂ. 7,000 દૂર કરવાની અને વર્તમાન પગાર માળખા મુજબ બોનસની ગણતરી કરવાની માગણી કરી છે.