ડીસામાં ડેરી પ્રોડકટ્સ પેઢી પર દરોડા, 270 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો
- પેઢીનો માલિક અગાઉ પણ ભેળસેળયુક્ત ઘીમાં પકડાતા લાયસન્સ રદ કરાયું હતુ,
- ઘી શંકાસ્પદ લાગતાં નમુના પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા,
- પેઢીના સંચાલકો ઘી બનાવવા કાચા માલની વિગતો આપી ન શક્યા
ડીસાઃ શહેરમાં ડેરી પ્રોડક્ટસ દ્વારા નકલી ઘી વેચાતું હોવાની ફરિયાદો મળ્યા બાદ બનાસકાંઠા ખોરાક અને ઔષધિ નિયમન વિભાગની ટીમે દરોડા પાડીને રૂપિયા 1.67 લાખનો 270 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ કાચા માલની વિગતો પેઢી દ્વારા રજૂ કરવામાં આવી ન હતી.
બનાસકાંઠા ખોરાક અને ઔષધિ નિયમન વિભાગની ટીમે ડીસાની એક માર્કેટિંગ અને ડેરી પ્રોડક્ટ પેઢીમાં તપાસ કરી હતી. જ્યાંથી રૂપિયા 1.67 લાખનો 270 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો હતો. આ પેઢીનો સંચાલક અગાઉ પણ ભેળસેળવાળું ઘી વેચાણના કેસમાં પકડાયેલો છે.
ડીસાની એક માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સમાં બનાસકાંઠા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે તપાસ કરી હતી. આ અંગે અધિકારી ટી. એચ. પટેલ અને ઇ. એસ. પટેલે જણાવ્યું હતુ કે, તપાસ દરમિયાન ઘી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ કાચા માલની વિગતો પેઢી દ્વારા રજૂ કરવામાં આવી ન હતી. પ્રાથમિક રીતે ઘી શંકાસ્પદ લાગતાં નમુનો લઇ લેબોરેટરી માટે મોકલી અપાયા છે. પેઢીમાંથી રૂપિયા 1,67,400નો શંકાસ્પદ ઘીનો 270 કિ.ગ્રા. જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે પેઢીનો માલિક લાલચંદભાઈ અમૃતલાલ પંચીવાલા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. આ શખ્સ અગાઉ પણ ભેળસેળવાળું ઘી વેચાણ સંબંધિત અનેક વખત પકડાઈ ચૂક્યો છે.
તેની વિરુદ્ધ એડજ્યુડિકેટિંગ તથા ફોજદારી અદાલતમાં ગુનાહિત જાહેર થયેલા છે. હાલમાં પણ તેમના વિરુદ્ધ વિવિધ કેસ ચાલી રહ્યા છે. પેઢીનું લાઇસન્સ પાલનપુર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રદ કરવામાં આવેલું હતુ. હાલમાં સેન્ટ્રલ ફુડ ઓથોરીટી પાસેથી ઘીના ઉત્પાદનનો પરવાનો મેળવ્યો છે. અધિકારીઓએ રેડ કરી શંકાસ્પદ જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે