લોકસભામાં રાહુલ અને રાજ્યસભામાં ખડગેનું માઈક બંધ કરાયું, કોંગ્રેસનો આરોપ
નવી દિલ્હીઃ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, જ્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી NEETનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા ત્યારે તેમનું માઈક બંધ થઈ ગયું હતું. કોંગ્રેસે એવો પણ આરોપ લગાવ્યો છે કે રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગેનું માઈક પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. કોંગ્રેસે તેને સરમુખત્યારશાહી ગણાવી છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે ગંભીર મુદ્દાઓ પર માઈક બંધ કરવા જેવી નાનકડી હરકતો કરીને યુવાનોનો અવાજ દબાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
અન્ય એક ટ્વિટમાં કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, રાજ્યસભામાં પણ વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેનું માઈક બંધ કરી દેવામાં આવ્યું છે. ટ્વીટ અનુસાર, 'સરકાર પોતે પેપર લીકના મુદ્દે મૌન છે, પરંતુ હવે તે પેપર લીક સામે ઉઠેલા અવાજને પણ દબાવવા માંગે છે.' કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે, પેપર લીકની સતત ઘટનાઓથી દેશના યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. પેપર લીકના સૌથી વધુ મામલા હરિયાણામાં જોવા મળ્યા છે. NEET પરીક્ષાનું પેપર લીક થયું છે અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પોતાની જવાબદારીથી ભાગી રહ્યા છે. અમે આ મુદ્દા પર ચર્ચા કરવા માગતા હતા અને જ્યારે આ મુદ્દો ગૃહમાં ઉઠાવવામાં આવ્યો ત્યારે માઈક બંધ થઈ ગયા હતા. જો વિપક્ષના નેતાનું માઈક બંધ કરી દેવામાં આવે તો તેનાથી વિપક્ષના સાંસદોમાં નારાજગી ફેલાઈ જશે અને ગૃહમાં આવું જ થયું. અમે ઈચ્છીએ છીએ કે આ અંગે ચર્ચા થવી જોઈએ.
નારાજગી વ્યક્ત કરતા કોંગ્રેસના સાંસદ અને પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે લાખો વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિઓને લઈને ચિંતિત છે અને તેઓ ઇચ્છે છે કે તેનો જલ્દી ઉકેલ આવે. સરકારે આ મુદ્દે ચર્ચા કરવાની મંજૂરી આપવી જોઈએ અને તેથી જ અમે સ્થગિત દરખાસ્ત રજૂ કરી હતી, પરંતુ સરકાર આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર નથી. તેઓ અમારા વિપક્ષી નેતાને એક મિનિટ પણ બોલવા દેતા નથી અને તેમનું માઈક બંધ કરવામાં આવી રહ્યું છે. સરકાર એ જ જુની રીતે સરમુખત્યારશાહી ચલાવી રહી છે અને તેનાથી સમગ્ર લોકતાંત્રિક વ્યવસ્થા માટે સમસ્યાઓ સર્જાશે.