રાહુલ ગાંધી ભારતમાં બાંગ્લાદેશ અને નેપાળ જેવી પરિસ્થિતિ ઊભી કરવા માગે છેઃ અનુરાગ ઠાકુર
નવી દિલ્હીઃ ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યો છે. રાહુલે તાજેતરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્ર અને ચૂંટણી આયોગ પર ‘મત ચોરી’ના આક્ષેપ કર્યા બાદ ઠાકુરે કહ્યું કે રાહુલ ગાંધી ભારતમાં બાંગ્લાદેશ અને નેપાળ જેવી પરિસ્થિતિ ઊભી કરવા માગે છે.
અનુરાગ ઠાકુરે જણાવ્યું કે ભારતનું ચૂંટણી પંચ કોઈપણ પ્રકારના પૂર્વાગ્રહ વગર કાર્ય કરી રહ્યું છે. “રાહુલ ગાંધી લોકશાહી નબળી પાડવા, નાગરિકોને ભ્રમિત કરવા અને દેશમાં અસ્થિરતા ફેલાવવા પ્રયાસશીલ છે,” એવો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
ઠાકુરે કહ્યું કે, 2023માં કર્નાટકના અલંદ વિધાનસભા ક્ષેત્રમાંથી મતદાર નામો દૂર કરવાનો અસફળ પ્રયાસ થયો હતો, જેના સંદર્ભમાં ચૂંટણી આયોગે જાતે જ એફઆઈઆર નોંધાવી હતી. તેઓએ કહ્યું કે મોબાઇલ નંબર અને આઈપી એડ્રેસની માહિતી પણ આયોગે આપી દીધી હતી, છતાં કોંગ્રેસ શાસિત કર્નાટકની સીઆઈડીએ હજુ સુધી કોઈ પગલું લીધું નથી. “અલંદ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જ વિજેતા થયા હતા. તો શું કોંગ્રેસ મત ચોરી કરીને જીત્યું?
ભાજપના નેતાએ વધુમાં ઉમેર્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ અત્યાર સુધી 90 ચૂંટણી હારી ચૂકી છે. “આ નિરાશાના કારણે તેઓ ખોટા અને નિરાધાર આક્ષેપો કરી રહ્યા છે.