અમદાવાદમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ સંગઠનના સૃજન અભિયાનનો પ્રારંભ કરાવ્યો
- કોંગ્રેસના નિરિક્ષકોને જવાબદારી સોંપાઈ
- 10 દિવસમાં જિલ્લાનો પ્રથમ રિપોર્ટ આપવા સુચના
- પ્રદેશના નેતાઓ સાથે સાંજે વિચાર-વિમર્શ કર્યો
અમદાવાદઃ શહેરના આંગણે તાજેતરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન યોજાયા બાદ હવે ગુજરાત કોંગ્રેસના સંગઠનને મજબુત બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. અને તમામ જિલ્લાના કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર કરવા માટે કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનનો આજથી પ્રારંભ કરાયો છે. રાહુલ ગાંધી આજે અમદાવાદની મુલાકાતે છે. ગુજરાતના મહાનગરો સહિત 41 પ્રમુખો નક્કી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. રાજીવ ગાંધી ભવન ખાતે નિરીક્ષકો સાથેની બેઠક બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના પ્રદેશ નેતાઓ સાથે બેઠક યાજી હતી.
કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનની ગુજરાતથી પ્રારંભ કરાયો છે.. આજે બપોરે 3 વાગ્યે રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા હતા અને ત્યાંથી તેઓ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પહોંચ્યા હતા. જ્યાં જિલ્લા અને મહાનગરોના 41 પ્રમુખો નક્કી કરવા નિરીક્ષકો સાથે બેઠક કરીને જરૂરી સુચનાઓ આપી હતી.રાહુલ ગાંધી 6 દિવસમાં બીજીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કોંગ્રેસના આ પ્રોજેક્ટ અંતર્ગત 5 સભ્યની ટીમ બનાવવામાં આવી છે. અને 45 દિવસમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક પૂર્ણ કરવાની સુચના આપવામાં આવી છે. ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે પણ બેઠક યોજવામાં આવી હતી. બેઠક બાદ રાહુલ ગાંધી હયાત હોટલમાં રાત્રિ રોકાણ કરશે.
ગુજરાતમાં ભાજપનું 30 વર્ષથી શાસન છે. કોંગ્રેસ સંગઠનની નબળાઈને લીધે ગુજરાતમાં ભાજપ મજબુત બન્યું છે. ત્યારે કોંગ્રેસના સંગઠને મજબુત બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપ્યા બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આજે રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસના પદાધિકારીઓ અને નિરીક્ષકોની બેઠક રાજીવ ગાંધી ભવન ખાતે મળી હતી. કોંગ્રેસના નિરીક્ષકોને પ્રથમ બેઠકમાં જ જવાબદારી સોંપાઈ છે. એક કેન્દ્રીય નિરીક્ષક સાથે 4 ગુજરાતનાં નિરીક્ષકોની ટીમ બનાવાઈ છે. 10 દિવસમાં નિરીક્ષકો કોંગ્રેસને જે તે જિલ્લા અંગેનો પ્રથમ રિપોર્ટ સબમિટ કરશે. પોલિટિકલ અફેર્સ કમિટીના સભ્યો, સાંસદ, પૂર્વ સાંસદ, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યને નિરીક્ષક તરીકે જવાબદારી સોંપાઈ છે. જિલ્લા/મહાનગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખો, કોંગ્રેસના જિલ્લા પંચાયત અને મનપાના વર્તમાન નેતા તથા જીપીસીસી ફ્રન્ટલ અને SC, ST, OBC અને માયનોરિટી ડિપાર્ટમેન્ટના વડા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પૂર્વ વડાઓ પણ નિરીક્ષક તરીકે જશે.