સંસદમાં રાહુલ અને પ્રિયંકા ગાંધી BJP-NDAની મુશ્કેલીઓ વધારશેઃ સચિન પાયલટ
નવી દિલ્હીઃ વાયનાડ લોકસભા બેઠક ઉપર પેટાચૂંટણીમાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાની જીતની ભવિષ્યવાણી કરતા કોંગ્રેસના મહાસચિવ સચિન પાયલટએ ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, સંસદમાં રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી હોવાથી ભાજપા અને એનડીએની રાતની ઉંઘ ઉડી જશે.
ચૂંટણી પરિણામના એક દિવસ પહેલા સચિન પાયલટે જણાવ્યું હતું કે, અમે વાયનાડમાં પ્રિયંકા ગાંધીની ઐતિહાસિક જીત ઈચ્છીએ છીએ. તેઓ ઘણા સમયથી પાર્ટી સાથે કામ કરી રહ્યાં છે. તેમણે અગાઉ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને રાજીવ ગાંધી માટે પણ પ્રચાર કર્યો હતો. જેથી તેઓ દેશમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે સારી રીતે જોડાયેલા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાર્ટી મહાસચિવ તરીકે તેમણે કેડરને પ્રેરિત કરવાની પોતાની ક્ષમતા દર્શાવી છે. તેઓ સમગ્ર દેશમાં લોકપ્રિય ચહેરો છે. તેઓ કેરલની સાથે મહિલાઓ અને યુવાનોના અવાજને સંસદમાં રાખવા માટે યોગ્ય છે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી પાયલોટએ જમાવ્યું હતું કે, લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી સરકારને વિવિધ મુદ્દા ઉપર ઘેરે છે અને તેમણે વિવિધ મુદ્દા ઉપર સરકારને જવાબ આપવા મજબુર કર્યાં છે. હવે તેમાં પ્રિયંકા ગાંધી સામેલ થતા એનડીએની મુશ્કેલીઓ વધશે. લોકસભામાં વન પ્લસ વન 11 થાય છે. સંસદમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ભાજપા અને એનડીએની રાતની ઉંઘ ઉડાડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલી બેઠક ઉપરથી વિજ્યી થયા હતા. જેથી રાહુલ ગાંધીએ વાયનાડની બેઠક ખાલી કરી હતી. જેથી આ બેઠક ઉપર યોજાયેલી પેટાચૂંટણી માટે કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતાર્યાં હતા. તાજેતરમાં આ બેઠક માટે મતદાન યોજાયું હતું. આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે.