ઢાકામાં કટ્ટરપંથીઓએ ઈસ્કોન મંદિર ઉપર કર્યો હુમલો, મૂર્તિઓની તોડફોડ કરી આગચાંપી
નવી દિલ્હીઃ રાજકીય સંકટમાં પસાર થઈ રહેલા બાંગ્લાદેશમાં સ્થિતિ દિવસેને દિવસે વિકટ બની રહી છે અને કટ્ટરવાદી તત્વોના હાથમાં સત્તા હોય તેમ લધુમતીઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. બાંગ્લાદેશમાં લઘુમતીઓ ઉપર અત્યાચાર મામલે ભારત અને અમેરિકા સહિતના દેશોએ દુઃખ વ્યક્ત કરીને કાર્યવાહી કરવાની માંગણી કરવા છતા બાંગ્લાદેશમાં સ્થિતિ કાબુમાં આવી રહી નથી. દરમિયાન ફરી એકવાર ઢાકામાં કટ્ટરપંથીઓએ હિન્દુ મંદિરને નિશાન બનાવીને ભારે તોડફોડ કરી હોવાનું જાણવા મળે છે.
બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓના હિંદુઓ અને હિંદુ મંદિરો પર હુમલા અટકવાનું નામ નથી લઈ રહ્યાં. દરમિયાન રાત્રે ઢાકામાં ધર્મ ઝૂનૂનીઓએ અન્ય એક હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું હોવાનું જાણવા મળે છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, કટ્ટરપંથીઓએ રાત્રે ઇસ્કોન નમહટ્ટા મંદિર ઢાકા પર હુમલો કર્યો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર પહેલા મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી, ત્યારબાદ ટોળાએ દેવતાઓની મૂર્તિઓને આગ લગાવી દીધી હતી. ઇસ્કોન બાંગ્લાદેશમાં સ્થિત આ મંદિરનું સંચાલન કરતી હતી. આ હુમલા બાદ હિંદુ સંગઠનોએ ફરી એકવાર આરોપ લગાવ્યો છે કે કટ્ટરવાદીઓ લઘુમતી હિંદુઓને સતત નિશાન બનાવી રહ્યા છે અને મુહમ્મદ યુનુસ મૂક પ્રેક્ષક બની રહ્યા છે.
કોલકાતા ઇસ્કોનના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, "મંદિરની ટીનની છત દૂર કરવામાં આવી હતી અને મૂર્તિઓને બાળી નાખતા પહેલા તેના પર પેટ્રોલ રેડવામાં આવ્યું હતું."