ગાંધીનગરમાં પાણીના મીટર રીડિંગ મટિરિયલ્સની ગુણવત્તા સામે સવાલો ઊઠ્યા
- પાણીના મીટર પ્લાસ્ટીકના હોવાથી વારંવાર બંધ પડવા કે બગડવાની શક્યતા,
- પાણીની પાઇપ લાઇનમાં વાલ્વ પણ પ્લાસ્ટીકનો નાંખવામાં આવ્યો છે,
- કર્મચારીઓ પાણીના મીટરનું ઓફિસમાં બેઠા બેઠા રિડિંગ કરી શકશે
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર શહેરને મીટરથી 24 કલાક પાણી મળી રહે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે પ્રોજેક્ટ બનાવી દેવામાં આવ્યો છે. લોકોને ચોવીસ કલાક પાણી આપવા માટે પાઇપ લાઇન તેમજ મીટર નાંખી દેવામાં આવ્યા છે. કર્મચારીઓ ઓફિસમાં બેઠા બેઠા મીટર રીડિંગ કરી શકે એવી સુવિધા કરવામાં આવી છે. પરંતું પાણઈના મીટર માટે તમામ મટીરીયલ પ્લાસ્ટીકનું રાખવામાં આવતા તેની ગુણવત્તાને લઇને અનેક પ્રશ્નો લોકોમાં ઉઠી રહ્યા છે. પ્લાસ્ટીકના મટીરીયલને પગલે સમયાંતરે મરામતની કાળજી નહી રાખવાથી પારાવારની મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી શકે છે. એવો ભય ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે વ્યક્ત કર્યો છે.
શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેસરીસિંહ બિહોલાના કહેવા મુજબ રાજ્યના પાટનગરને સ્માર્ટસીટી બનાવવા માટે અનેક યોજના ચલાવવામાં આવી રહી છે. તેમાં ચોવીસ કલાક પાણી આપવા માટે પાઇપ લાઇન, ઘરે ઘરે મીટર નાંખવા સહિતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. વધુમાં પાણીના મીટરનું ઓફિસમાં બેઠા બેઠા રિડિંગ થઇ શકે તે માટે ખાસ મશીન મીટર ઉપર ફીટ કરવામાં આવ્યું છે. ત્યારે ઓનલાઇન મીટરનું રિડિંગ ચાલુ થશે કે પછી ટેકનીક ક્ષતિને કારણે વધારે રિડીંગ થવાથી બીલ વધારે ભરવાની સ્થિતિનો સામનો નગરવાસીઓને કરવો પડે તેવી પણ શક્યતા રહેલી છે. ચોવીસ કલાક પાણી આપવાની યોજનામાં ઉપયોગમાં લેવાયેલા તમામ મટીરીયલ પ્લાસ્ટીકના હોવાથી તેની ગુણવત્તાની સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. 24 કલાક ફોર્સથી અપાતા પાણીની પાઇપ લાઇનમાંથી જોડાણ આપવા માટેનો વાલ્વ પ્લાસ્ટીકનો નાંખવામાં આવ્યો છે. ઘરે સુધીના પાણીના જોડાણ, મીટર સહિતમાં પ્લાસ્ટીકના મટીરીયલનો ઉપયોગ કરાયો છે. આથી પ્લાસ્ટીકના મટીરીયલની ગુણવત્તાની સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. વધુમાં ઘરે ઘરે નાંખવામાં આવેલા પાણીના મીટર પણ પ્લાસ્ટીકના નાંખવામાં આવ્યા છે.
આ ઉપરાંત મીટરનું રીડિંગ ઓનલાઇન ઓફિસમાં બેઠા બેઠા થઇ શકે તે માટેનું મશીન પણ પ્લાસ્ટીકનું જ નાંખવામાં આવ્યું છે. ત્યારે પ્લાસ્ટીકના મટીરીયલની ગુણવત્તા સામે પણ સવાલો ઊઠ્યા છે.