દવાઓની ગુણવત્તા પર સવાલ: 2024-25માં તપાસાયેલા 1.16 લાખ સેમ્પલમાંથી 3104 ગુણવત્તામાં નિષ્ફળ
નવી દિલ્હી: દેશમાં દવાઓની ગુણવત્તાને લઈને ગંભીર ચિત્ર સામે આવ્યું છે. લોકસભામાં રજૂ કરાયેલા આંકડાઓ અનુસાર, વર્ષ 2024-25માં તપાસવામાં આવેલા 1.16 લાખ દવાના નમૂનાઓમાંથી 3104 સેમ્પલ ગુણવત્તાના માપદંડમાં નિષ્ફળ રહ્યા છે, જ્યારે 245 દવાઓને નકલી અથવા ભેળસેળયુક્ત જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે. પી. નડ્ડાએ ગૃહમાં આ માહિતી આપી હતી, જેનાથી દેશની દવા સુરક્ષા વ્યવસ્થા પર નવા સવાલો ઊભા થયા છે.
નડ્ડાએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં પણ સ્થિતિ ચિંતાજનક રહી છે. વર્ષ 2023-24માં 1.06 લાખ નમૂનામાંથી 2988 ગુણવતાના માનક ઉપર પાસ નથી થયા. જ્યારે 282 નકલી અથવા ભેળસેળવાળી મળી આવી હતી. આવી જ રીતે 2022-23માં પણ 96173 નમૂનામાંથી 3053 સેમ્પલ ફેલ રહ્યાં હતા. જ્યારે 424 નકલી જોવાનું સામે આવ્યું છે. આ આંકડા દર્શાવે છે કે સતત ત્રણ વર્ષથી મોટી સંખ્યામાં દવાઓ ગુણવત્તાના ધોરણો પર નિષ્ફળ સાબિત થઈ રહી છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે દવાઓની ગુણવત્તા અને સુરક્ષાના ધોરણો લાગુ કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) તેમજ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા નિયમિત દેખરેખ, નિરીક્ષણ અને રેન્ડમ સેમ્પલિંગ કરવામાં આવે છે. આ કાર્યવાહી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ કરવામાં આવે છે.
દવા ઉત્પાદન એકમોના નિરીક્ષણને વધુ મજબૂત કરવા માટે, કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન (CDSCO) એ રાજ્યના નિયમનકારો સાથે મળીને ડિસેમ્બર 2022 થી 'જોખમ આધારિત નિરીક્ષણ' શરૂ કર્યું છે. જે કંપનીઓના વધુ સેમ્પલ નિષ્ફળ ગયા છે, જેમના વિરુદ્ધ ફરિયાદો આવી છે અથવા જેમના ઉત્પાદનો અતિસંવેદનશીલ શ્રેણીના છે, તેમને પ્રાથમિકતાના ધોરણે તપાસવામાં આવ્યા છે. નડ્ડાએ માહિતી આપી કે અત્યાર સુધીમાં 960 થી વધુ દવા ઉત્પાદન અને પરીક્ષણ એકમોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.